ગુજરાત
News of Friday, 4th October 2019

વડોદરા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે શાસન ગુમાવ્યુઃ ભાજપના ટેકાથી કોંગ્રેસના ઇલાબેન પ્રમુખ બન્યા

વડોદરા :વડોદરા જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના હાથમાંથી વડોદરા જિલ્લા પંચાયતની સત્તા ગુમાવી છે. ભાજપના ટેકાથી કોંગ્રેસનાં બળવાખોર નેતા ઈલાબહેન પંચાયતના પ્રમુખ બન્યા છે. 36માંથી 26 સભ્યોએ ઈલાબહેનના પક્ષમાં મત આપ્યા હતા. વડોદરા જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ભાજપમાં જોડાયા હતા. કોગ્રેસના બળવાખોર ઈલાબેન ચૌહાણ ભાજપમાં જોડાયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ દિલુભા ચુડાસમા અને પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલે ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં પ્રવેશ કરાવ્યો હતો. આમ, વડોદરા જિલ્લા પંચાયત ભાજપે કબજે કરી લીધી છે.

વડોદરા જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં ખરાખરીનો જંગ થયો હતો. જિલ્લા પંચાયતમાં હાલમાં 36માંથી 22 સભ્યો કોંગ્રેસના અને 14 સભ્યો ભાજપના છે. જેમાં કોંગ્રેસના 14 સભ્યોએ બળવો પોકારતા પન્નાબેન ભટ્ટની પ્રમુખની ખુરશી છીનવાઈ હતી. તો બીજી તરફ, કોંગ્રેસના બળવાખોર ઇલાબેન ચૌહાણ 19 સભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો હતો. ત્યારે આ વચ્ચે પ્રમુખપદની ચૂંટણી રસપ્રદ બની રહી હતી. કોઈ અણબનાવ ન સર્જાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

કોગ્રેસના બળવાખોર ઈલાબેનને 26 મત મળ્યા હતા. તો કોંગ્રેસના ઉમેદવાર નિલાબેન ઉપાધ્યાયને માત્ર 10 સભ્યોનું સમર્થન મળ્યુ હતું. આમ કોંગ્રેસના બળવાખોર ઈલાબેન ચૌહાણ ભાજપના ટેકાથી પ્રમુખ બન્યા છે. ઈલાબેનને 36માંથી 27 સભ્યોએ સમર્થન આપ્યું હતું. આમ, કોંગ્રેસના પ્રમુખના ઉમેદવાર નિલાબેન ઉપાધ્યાયની હાર થઈ હતી. કોંગ્રેસના 13 સભ્યોએ વ્હીપનો અનાદર કરી બળવાખોર ઉમેદવાર ઈલાબેન ચૌહાણને મત આપ્યો હતો. આમ, કોંગ્રેસે જિલ્લા પંચાયતમાંથી સત્તા ગુમાવી હતી.

સત્તા મેળવવા માટે ભાજપની તોડજોડની નીતિ અપનાવે છે. કોંગ્રેસની અંદરોઅંદર ખેંચતાણના કારણે ભાજપ તેના કાર્યકર્તાઓને તોડવામાં સફળ રહે છે, આમ, કોંગ્રેસ સત્તા ગુમાવી હતી. આ પહેલા પણ ભાજપે અનેકવાર કોંગ્રેસ પાસેથી સત્તા છીનવાનો પ્રયાસ કર્યો હતો, જે આ વખતે સફળ રહ્યો. તો બીજી તરફ, કોંગ્રેસને વધુ એક આંચકાજનક સમાચાર મળ્યા છે. આવતીકાલે કોંગ્રેસના વધુ 5 સભ્યો મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ભાજપમાં જોડાશે.

પૂર્વ પ્રમુખ સામે વિરોધનો સૂર ઉઠ્યો હતો

વડોદરા જિલ્લા પંચાયતમાં કોગ્રેસનુ શાસન હતું અને પ્રમુખ તરીકે પન્નાબેન ભટ્ટ છેલ્લા એક વર્ષથી સત્તા ભોગવી રહ્યા હતા. પન્નાબેન પ્રમુખ બન્યા બાદથી જ કોગ્રેસના સભ્યોમાં અસંતોષ જોવા મળી રહ્યો હતો. પ્રમુખ સામે કોંગ્રેસના 10 અને ભાજપના 14 મળી કુલ 36 સભ્યોએ ડીડીઓને અવિશ્વાસની દરખાસ્તની અરજી કરી હતી. કોંગ્રેસના બળવાખોર સભ્યો પ્રમુખ પન્નાબેન ભટ્ટના પતિ સમગ્ર વહીવટ કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો, તો પન્નાબેન ભટ્ટ અને દિલીપ ભટ્ટ ઘરનો કંકાસ છે તેને દૂર કરીશું તેમ કહ્યું હતું. તો બીજી તરફ પન્નાબેને બળવાખોર સભ્યોને મનાવી લેવાની વાત કરી હતી. પણ તેઓ અસફળ રહ્યા હતા. 

(5:13 pm IST)