ગુજરાત
News of Friday, 4th October 2019

વાહન ખીણમાં પડતા રોકવા દિવાલ બનાવવા તૈયારી શરૂ

અંબાજીમાં અકસ્માત બાદ તરત હિલચાલ શરૂ : ૫ાંચ ફૂટ ઉંચી-૩૦ મીટર લાંબી સંરક્ષણ દિવાલ બનાવાશે

અમદાવાદ, તા.૪ : આણંદના માઇભક્તો ગત સોમવારે અંબાજી દર્શન કરી લકઝરી બસમાં ઊંઝા ઉમિયાના માંના દર્શને જઇ રહ્યા હતા તે વખતે ડ્રાઇવરની લાપરવાહીના લીધે લકઝરી બસ પલટી મારતાં ૨૨ યાત્રિકોના અકાળે મોત થયા હતા. આ ગોઝારી દુર્ઘટનાથી સફાળી જાગેલી સરકારે હવે અકસ્માત સ્થળે કોઈ વાહન ખીણમાં ન પડી જાય તે માટે અકસ્માત ઝોન ત્રુશુળિયા ઘાટ પાસે સંરક્ષણ દિવાલ બનાવવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે હવે ત્રિશુલિયા ઘાટ ખાતે પાંચ ફૂટ ઊંચી ૩૦ મીટર લાંબી દીવાલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે અઁંબાજી માર્ગ અને મકાન વિભાગ દ્વાર માપણી પણ શરૂ કરી દેવામાં આવી છે. અંબાજી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઘટનાસ્થળે માપણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવતાં હવે ટૂંક સમયમાં જ સંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરી  પણ હાથ ધરવામાં આવશે. દરમ્યાન અંબાજી માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર એન.એસ.અડએ જણાવ્યું હતું કે, જ્યાં અકસ્માત સર્જાયો છે તે વળાંક ભયજનક છે તેમ છતાં અહીં ૨૩ મીટર રોડ પહોળો છે. જે અકસ્માત સર્જાયો છે તે ઓવરલોડ અને માનવીય ભૂલના લીધે સર્જાયો છે. તેમ છતાં કોઇ વાહન ખીણમાં પડી ન જાય તે માટે માર્ગ અને મકાન વિભાગ અંબાજી દ્વારા અહીં સંરક્ષણ દિવાલ બનાવવામાં આવશે. જેનું કામ ત્રણ દિવસમાં શરૂ કરાશે.

            ગુરુવારે અકસ્માત સ્થળે દાંતા-અંબાજી ફોરલેન પ્રોજેકટ હેઠળ કામ કરતી એજન્સી દ્વારા ફોરલેન માટેની મંજૂરી મળી જશે એ આશાએ સર્વેની કામગીરી હાથ ધરી જરૂરી માપણી પણ કરવામાં આવી હતી. અકસ્માત બાદ આરટીઓ, ડીવાયએસપી, પીડબલ્યુડી ઈજનેર સહિત સંબંધિત વિભાગનો સંયુક્ત રિપોર્ટ સરકારમાં મોકલાવ્યો છે. જેમાં વરસાદ, ઓવરસ્પીડ,ઓવરલોડ અને માનવીય ભૂલથી અકસ્માતનું કારણ દર્શાવાયું હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત જ્યાં થયો તે પહાડ ૨૦ મીટર સુધી કાપવા અને ઢાળ ૧૦ મીટર ઓછો કરવા ગયા વર્ષે વનવિભાગને દરખાસ્ત કરાઈ હતી. પહાડને એ રીતે કાપવામાં આવશે જેનાથી રસ્તાનો વળાંક ઓછો થઇ સહેજ સીધો દેખાય અને દૂરથી આવતું અન્ય વાહન જોઇ શકાય. જો કે, આ દરખાસ્ત પાછળ ૧૧ મહિનાથી વન અને પર્યાવરણ મંત્રાલયમાં પેન્ડિંગ પડી હોવાથી નિર્ણય લઈ શકાયો નથી. લક્ઝરી બસ જ્યાં પલટી ખાઇ ગઇ હતી તે જ સ્થળે ગઇકાલે પણ ઓવરલોડ મુસાફરો ભરેલા વાહનો પસાર થતા જોવા મળ્યા હતા. સવારે ૧૦ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં અનેક ખાનગી જીપોમાં ૧૫ થી ૨૦ મુસાફરો તેમજ કેટલાક ખુલ્લા ટ્રેક્ટરમાં જોખમી મુસાફરી કરતા મુસાફરો જોવા મળ્યા હતા. અકસ્માતના બીજા દિવસે માત્ર બે પોલીસકર્મીઓ ઉભા રાખવામાં આવ્યા હતા ત્યારબાદ પરિસ્થિતિ જેવી હતી તેવી જ બની ગઈ છે.

(8:42 pm IST)