ગુજરાત
News of Friday, 4th October 2019

સીબીડીટીનો મહત્વનો પરિપત્રઃ ચેરિટેબલ ટ્રસ્ટ ઓડીટ રીપોર્ટ ૩૧ ડીસે.માં સુધી ફાઈલ કરી શકશે

બે વર્ષના રીપોર્ટ ફાઈલ કરે તો કરમુકિતઃ દેશભરના ટ્રસ્ટોને ફાયદો

અમદાવાદ, તા. ૪ :. આકારણી વર્ષ ૨૦૧૬-૧૭ અને ૧૭-૧૮ માટે ઓડિટ રિપોર્ટ સબમિટ કરવામાં વિલંબ કર્યો હોય અથવા ઓડિટ રિપોર્ટ ફાઈલ કર્યો હોય પણ ફોર્મ ૧૦-બી ફાઈલ કરવાનું બાકી હોય તેવા તમામ ચેરિટેબલ ટ્રસ્ટોને આ ફોર્મ જૂના વર્ષો માટે ફાઈલ કરવા માટે તા. ૩૧ ડિસેમ્બર ૧૯ સુધી મુદત લંબાવી છે. ઓડિટ રિપોર્ટ અને ફોર્મ ૧૦-બી ફાઈલ કર્યુ હશે તો કરમુકિતનો લાભ મળશે તેવુ સીબીડીટીએ પરિપત્ર દ્વારા જણાવ્યુ છે.

દેશમાં સંખ્યાબંધ ટ્રસ્ટોએ ૨૦૧૬-૧૭ અને ૧૭-૧૮ના આકારણી વર્ષ દરમિયાન ઈન્કમટેકસ પોર્ટલની ટેકનિકલ ખામીને કારણે ઓડિટ રિપોર્ટ ફાઈલ થઈ શકયા ન હતા અને ફોરમ ૧૦-બી કે ઓડિટ રિપોર્ટ ફાઈલ ન થાય તો ટ્રસ્ટોને મળતી કરમુકિતનો લાભ મળી શકશે નહિ. આ થવાથી ડોનેશન અને અન્ય આવક ઉપર કોઈ ખર્ચ બાદ મળે નહિ અને ટ્રસ્ટની સમગ્ર આવક કરપાત્ર થઈ જાય છે. આમ ઘણા ટ્રસ્ટોને ફોરમ-૧૦ બી અપલોડ ન થવાથી સીપીસી દ્વારા જ્યારે આવા રિટર્ન પ્રોસેસ થયા ત્યારે કરપાત્ર બની ગયા હતા અને ટ્રસ્ટોને લાખો રૂપિયાની ડિમાન્ડ નોટિસો મળી ગઈ હતી. દરેક ટ્રસ્ટોએ સમયસર ઓડિટ રિપોર્ટ પણ કરાવેલા હતા. ફોરમ ૧૦-બી પણ તૈયાર હતુ પરંતુ ટેકનિકલ કારણોસર અપલોડ થઈ શકયા નહોતા. કરમુકિતનો લાભ ન મળતા આ બધા ટ્રસ્ટોએ સીબીડીટી સમક્ષ રજૂઆત કરીને સમય મર્યાદા વધારીને કરમુકિતનો લાભ આપવા રજૂઆત કરી હતી. ટ્રસ્ટો ડિમાન્ડ ભરી શકે તેવી સ્થિતિમાં નથી તેવી પણ રજૂઆત થઈ હતી. રજૂઆતના પગલે ફેબ્રુઆરીમાં સકર્યુલર કરીને ફોરમ ૧૦-બી અપલોડ કરવાની છૂટ અપાઈ હતી. સાથે સાથે તા. ૩૦-૯-૧૯ની મુદત ૩૧-૧૨-૧૯ કરી દેવામાં આવી છે.

(11:51 am IST)