ગુજરાત
News of Friday, 4th October 2019

દિકરા દિકરીનો ભેદ દુર કરવાઃ રાજય સરકાર દ્વારા પ૪ હજાર આંગણવાડીઓમાં ૯ લાખ બાળાઓનું નવદુર્ગા બાલિકા પૂજન કરાશેઃ વિજયભાઇ રૂપાણી

ગોળ, ખજૂર, ચીકી, સુખડી અર્પણ કરાશેઃ નવરાત્રી નિમિત્તે રાજય સરકાર દ્વારા આયોજન

ગાંધીનગર, તા.૪: રાજયમાં બાળકીનો જન્મ દર ઓછો છે જે અંગે રાજય સરકાર ચિંતિત છે સરકાર અને સંગઠન દ્વારા નવદુર્ગા બાલિકા પૂજન કાર્યક્રમ યોજશે રાજયમાં સેકસ રેશિયો ઉંચો છે તો દીકરા અને દીકરી વચ્ચેનો ભેદભાવ પણ ઘણા સ્થળો  પર જોવા મળી રહ્યો છે ત્યારે આ ભેદભાવને દૂર કરવા સેકસ રેશિયો ઘટાડવા અને બાળકીઓને પોષણ ક્ષમ આહાર મળે શારીરિક અને અભ્યાસગત વિકાસ થાય તેના માટે સરકાર આ કાર્યક્રમ હાથ ધરશે. રાજયમાં બાળકીનો જન્મ  દર ખુબ ઓછો છે જેને લઈને ગત વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ચિંતા વ્યકત કરી હતી અને સૌને સાથે મળી આ અંગે કામ કરવા માટે સુચન કર્યું હતું. બીજી તરફ રાજયના ઘણા એવા વિસ્તારો છે જેમાં બાળકો હજી પણ કુપોષણનો ભોગ બની રહ્યા છે. રાજયમાં કુપોષણનો આંક ૧ લાખ ૪૨ હજારને પાર જઈ રહ્યો છે ત્યારે બાળકીમાં કુપોષણનો દર ઘટે બાળકીઓને પોષણક્ષમ આહાર મળી રહે અને અભ્યાસ માટે પણ પરિવાર દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે બીજી તરફ દીકરા અને દીકરી વચ્ચેનો ભેદભાવ પરિવાર ભૂલે તેના માટે સરકાર દ્વારા વધુ એક પ્રયાસ હાથ ધરવામાં આવનાર છે. મહિલા અને બાળ વિકાસ વિભાગને સરકારે સુચના આપતા આ વિભાગ દ્વારા આંગણવાડી ખાતે જતી બાળકીઓનું પૂજન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગેનો પરિપત્ર પણ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મોકલી દેવામાં આવ્યો છે. રાજયમાં લગભગ ૫૪ હજાર જેટલી આંગણવાડી આવેલી છે જેમાં અંદાજે ૯ લાખ બાળકીઓ જતી હશે જેનું પૂજન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું નામ નવદુર્ગા બાલિકા પૂજન રાખવામાં આવ્યું છે જે અંતર્ગત આ તમામ બાળકીઓનું પૂજન કરવામાં આવશે અને પોષણ ક્ષમ આહાર એટલે કે ગોળ,ખજુર,ચીકી સુખડી જેવી વસ્તુ પણ આપવા પ્રયાસ કરવા સુચના આપવામાં આવી છે.

(11:50 am IST)