ગુજરાત
News of Friday, 4th October 2019

ર૦ રૂ.ની બોટલના પ૦ રૂ. લેવાતા સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર આકરા પાણીએ

ગરબા આયોજકો લોકોને પાણીની બોટલ અંદર લઇ જતા રોકી શકે નહિ

પાણીના કાળાબજાર થતા રોકવા ગુન્હા દાખલ કરવા એચ.આર.મુલીયાણાનો શહેર પોલીસને આદેશ

રાજકોટ, તા., ૪: ગુજરાતભરમાં નવરાત્રી મહોત્સવનો ધમધમાટ ચાલી રહેવા સાથે સ્થળ પર ઘણી જગ્યાએ પાણીની બોટલોના ભાવ પ૦ રૂ. સુધી લેવાતા હોવાની  જાણ સુરતના એડીશ્નલ પોલીસ  કમિશ્નર  ક્રાઇમ એન્ડ ટ્રાફીક એચ.આર.મુલીયાણાને થતા તેઓએ સુરતના તમામ પોલીસ મથકના અધિકારીઓને તાકીદ કરી છે કે ગરબાના સ્થળોએ પાણીના કાળાબજાર થતા હોય તો  આવા આયોજકો સામે ગુન્હા દાખલ કરવા.

તેઓએ વિશેષમાં એવો પણ આદેશ કર્યો છે કે નવરાત્રી મહોત્સવ સ્થળે લોકોને પાણીની બોટલો અંદર લઇ જવા દેવાતી નથી તે વાત કોઇ પણ રીતે વ્યાજબી નથી.   ગરબા આયોજકોએ પાણીની બોટલો સાથે અંદર જતા લોકોને રોકવા નહિ.

તેઓએ આ સંદર્ભે જે સુચનાઓ સુરત શહેરના તમામ પોલીસ સ્ટાફને આપી છે તેમાં પાણીની બોટલની વ્યવસ્થા ગરબા આયોજક દ્વારા કરવાની રહેશે. ર૦ રૂ.ની બોટલના પ૦ રૂ. કોઇ પણ સંજોગોમાં લઇ શકાશે નહી. નિયત કિંમત મુજબ જ પાણીની બોટલ લોકોને મળે તેવી વ્યવસ્થા આયોજકોએ  કરવી અને આ આદેશનું ચુસ્તપણે તમામ પોલીસ ઇન્સ્પેકટરોએ પાલન થાય તે જોવા  પણ તાકીદ કરવામાં આવી છે. સુરતના લોકોની ફરીયાદ આધારે ક્રાઇમ બ્રાન્ચના વડાએ આવો આદેશ કર્યો છે. જેના પડઘા રાજયના અન્ય શહેરમાં પણ પડે તેવી સંભાવના છે.

(11:47 am IST)