ગુજરાત
News of Thursday, 4th October 2018

ચાંદલોડિયામાં તોડફોડ મામલે રાયોટિંગનો દાખલ થયેલ ગુનો

વાહનો-શાકભાજીની લારીઓમાં તોડફોડ થઇઃ ૧૨ આરોપી સામે નામજોગ અને અન્ય ૧૫-૨૦ જણાંના ટોળા સામે વિવિધ કલમ હેઠળ આખરે ગુનો દાખલ કરાયો

અમદાવાદ, તા.૪: ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી રાધિકાપાર્ક સોસાયટીમાં ગઇકાલે રાતે રાજ્ય બહારના માણસોને ભગાવો અને ગુજરાત બચાવો નામની બૂમો પાડી સોસાયટીમાં રહેતા પરપ્રાંતીયનાં વાહનો અને શાકભાજીની લારીઓમાં તોડફોડ કરી, મારામારી કરવાના ચકચારભર્યા પ્રકરણમાં સોલા પોલીસે આખરે રાયોટીંગનો ગુનો નોંધ્યો છે. મોડી રાત્રે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ડરની લાગણી પેદા કરતાં આ બનાવની ગંભીરતા ધ્યાને લઇ સોલા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ૧ર શખ્સો સામે નામજોગ અને ૧પ થી ર૦ના ટોળા સામે રાયોટિંગ અને મારામારીનો ગુનો દાખલ કર્યો છે અને સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. ધટનાની સંવેદનશીલતા જોતાં પોલીસે આ વિસ્તારમાં ફરીથી કોઇ અનિચ્છનીય ધટના ન બને તેના તકેદારીના ભાગરૂપે સોસાયટીની બહાર પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દીધો છે. ઉપરાંત ગઇકાલ રાતે કેશવનગર પાસે આવેલ સાબરમતી રેલવેબ્રિજ પાસે ચાલતી જતી યુવતીને કોઇ અજાણ્યા માણસો ભૈયાજી તમે અહીંયાંથી મકાન ખાલી કરી જતા રહો તેવી ધમકી આપી નાસી ગયા હતા. સાબરકાંઠામાં બાળકી પર પરપ્રાંતીય યુવક દ્વારા ગુજારાયેેલ બળાત્કારના ધેરા પ્રત્યાધાત પડી રહ્યા છે અને પરપ્રાંતીય પર હુમલાના બનાવો રાજ્યમાં વધી રહ્યા છે, જેના પડધા અમદાવાદમાં પણ પડ્યા હતા. ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી રાધિકાપાર્ક સોસાયટીમાં ગઇકાલે સાંજના સુમારે ર૦ થી રપ માણસોનું ટોળું લાકડી અને દંડા લઇ રાજ્ય બહારથી આવેલા લોકોને ભગાવો અને ગુજરાત બચાવોની બૂમો પાડતાં ધસી આવ્યું હતું, જોકે સોસાયટીની એક વ્યકિતએ અહીં કોઇ રાજ્ય બહારનું નથી રહેતું તેમ કહી ભગાવી દીધા હતા. આગળ જતાં અન્ય કોઇએ ટોળાને ઉશ્કેરતાં ટોળું ફરી સોસાયટી પાસે આવ્યું હતું અને બે શાકભાજીની લારીઓ, લોડિંગ રિક્ષા, સ્કોર્પિયો કાર અને એકિટવાની તોડફોડ કરી હતી. કેદારનાથ અગ્રેહી નામના યુવકને માર માર્યો હતો. ધટનાની જાણ પોલીસને થતાં સોલા અને ધાટલોડિયા પોલીસનો કાફલો તાત્કાલિક ધટનાસ્થળે પહોંચી ગયો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. અર્જુન ઠાકોર, વિશાલ ઠાકોર, કલ્પેશ ઠાકોર, રમેશ ઠાકોર, દિનેશ ઠાકોર, દિલીપ ઠાકોર, રોહિત ઠાકોર, સતીશ, રાકેશ બોડાણા અને રવિ ચૌહાણ તમામ (રહે. ચાંદલોડિયા) તેમજ ૧પ થી ર૦ માણસોના ટોળાએ તોડફોડ કરી હોવાની ફરિયાદ સોલા પોલીસમાં નોંધાવતાં પોલીસે તેઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. ઉપરાંત ગઇ કાલે કેશવનગર સાબરમતી રેલવેબ્રિજ પાસે આવેલ ગોપાલદાસ છગનદાસની ચાલીમાં રહેતા પ્રતિમા કોરી નામની યુવતી નોકરી પરથી રાતે ધેર પરત આવતી હતી અને ચાલતાં ચાલતાં જે.પી.ની. ચાલી પાસેથી પસાર થતી હતી ત્યારે ચારેક અજાણ્યા માણસોએ યુવતીને જોઇ ભૈયાજી તમે અહીંથી મકાન ખાલી કરી જતા રહો, નહીંતર મારી નાખીશું તેવી ધમકી આપી ગાળાગાળી કરી હતી. યુવતીએ પોલીસને જાણ કરતાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ ધટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ચાર શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(10:28 pm IST)