ગુજરાત
News of Tuesday, 4th September 2018

પૂર્વ કોંગ્રેસ સાંસદ જીવાભાઇ પટેલ અંતે ભાજપમાં સામેલ

જીવાભાઇએ નીતિન પટેલને ચૂંટણીમાં હરાવ્યા હતાઃ જીવાભાઇ ભાજપમાં જોડાતાં કોંગ્રેસનો ફટકો : કુંવરજી બાવળિયા બાદ વધુ મોટા માથાએ કોંગ્રેસનો પંજો છોડયો

અમદાવાદ, તા.૪: લોકસભા ૨૦૧૯ની ચૂંટણી હવે જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય ઘટનાક્રમમાં મહ્ત્વના ડેવલપમેન્ટ નોંધાઇ રહ્યા છે. આવા જ એક ઘટનાક્રમમાં આજે કોંગ્રેસના પૂર્વ સાંસદ અને મોટા નેતા ગણાતા જીવાભાઇ પટેલ આજે કોંગ્રેસનો પંજો છોડીને વિધિવત્ રીતે ભાજપમાં જોડાઇ ગયા હતા. કુંવરજી બાવળિયા બાદ હવે જીવાભાઇ પટેલે ભાજપનો ભગવો ધારણ કરી લેતાં કોંગ્રેસ પક્ષને બહુ મોટો ફટકો પડયોછે. કારણ કે, જીવાભાઇ પટેલ કોંગ્રેસનું એટલુ મોટુ અને મહત્વનુ માથું ગણાતું હતું કે, એક જમાનામાં જીવાભાઇ પટેલે હાલના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા એવા નીતિન પટેલને લોકસભાની ચૂંટણીમાં કારમી હાર આપી પરાજિત કર્યા હતા. એ પછી જીવાભાઇ પટેલનું રાજકીય કદ વધી ગયું હતું. લોકસભાની ચૂંટણી પહેલાં પક્ષપલ્ટાની જાણે મોસમ વધુ વેગવંતી બનતી હોય તેમ નેતાઓ અને ઉમેદવારો એક પક્ષમાંથી બીજા પક્ષમાં ગુલાંટ મારી લેતા હોય છે. જો કે, આ બાબતમાં ભાજપ તેના પ્રતિસ્પર્ધી કોંગ્રેસ પક્ષમાંથી માથાઓ તોડવામાં માહીર હોય તેવું હાલ તો પ્રતીત થઇ રહયું છે કારણ કે, એ પછી એક નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપના શરણે આવી રહ્યા છે. હજુ બે મહિના પહેલા જ પૂર્વ કોંગી સાંસદ અને હાલના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડી ભાજપના મંત્રી બન્યા છે. ત્યાં આજે મહેસાણાના પૂર્વ કોંગી સાંસદ જીવાભાઈ પટેલ કોંગ્રેસને અલવિદા કહી ભાજપના શરણે આવ્યા છે. આ એ જ જીવાભાઇ પટલ છે કે જેમની સામે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ૨૦૦૪માં મહેસાણા લોકસભા બેઠક હાર્યા હતા. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ફટકો મળ્યો છે. પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ કોંગ્રેસ છોડી ભાજપ સાથે જોડાતાં કોંગ્રેસમાં ભારે ચકચાર મચી ગઇ છે. જીવાભાઈ પટેલ ઉત્તર ગુજરાતના રાજકારણમાં પ્રદેશ કોંગ્રેસના તરીકે ખૂબ મોટુ નામ હતું. તેમણે કોંગ્રેસ નેતાગીરી સામે નારાગીને કારણે રાજીનામું આપ્યું છે. જીવાભાઈ પટેલ કોંગ્રેસના ખજાનચી રહી ચૂક્યા છે.

(9:59 pm IST)