ગુજરાત
News of Tuesday, 4th September 2018

શ્રી કૃષ્ણના જન્મ સમયે રાતે કમળનું ખીલવુ, નિર્ધુમ યજ્ઞ કુંડો અને વરસાદી વાતાવરણમાં પણ યમુનાના નિર્મળ જળ એ ચમત્કારિક ઘટના છે: માધવપ્રિયદાસજી સ્વામી

કલાત્મક હિંડોલામાં ઝુલતા ઘનશ્યામ મહારાજને વૃંદાવન વાઘા ધરાવી મેમનગર ગુરુકુલમાં ઉજવાયેલ શ્રી કૃષ્ણજન્મોત્સવ દર્શનાર્થે ઉમટેલી માનવ મેદની

અમદાવાદ તા.૪ જન્માષ્ટમીની શુભ રાતે બરાબર ૧૨ કલાકે મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ કલાત્મક હિંડોળા અને પારણામાં ઝુલતા બાલસ્વરુપ શ્રી કૃષ્ણ ભગવાન-ઘનશ્યામ મહારાજની આરતિ ઉતારી, દર્શન ખુલ્લા મૂક્યા ત્યારે ચારેબાજુથી હજારો દર્શનાર્થીઓએ ભગવાન શ્રી કૃષ્ણના જયનાદ સાથે નંદઘેર આનંદ ભયોના જયનાદ  કર્યો હતા.

  તરત જ નંદબાબા પોતાના વહાલસોયા બાળ કૃષ્ણને ટોપલામાં પધરાવી આવતા ગુરુકુલના વિદ્યાર્થીઓએ અને સંતોએ રાસની રમઝટ બોલાવી હતી.

    પ્રાગટ્યોત્સવ પહેલા સ્વામી શ્રી દર્શનપ્રિયદાસજી સ્વામી, હસમુખ પાટડીયા તથા ગોલાદરા કૌશિકભાઇ અને  પ્રેમાનંદ મ્યુઝીક અેકેડેમીના કલાકારોએ ભકિતસંગીતના રંગારંગ કાર્યક્રમથી લોકોને રસતરબોળ કર્યા હતા.

    આ પ્રસંગે પૂજ્ય પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ યદા યદા હિ ધર્મસ્ય થી માંડીને ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સુધીનો પ્રસંગ આબેહૂબ રીતે વર્ણવ્યો હતો. અને કહ્યું હતું કે જ્યારે જયારે સમાજમાં અધર્મ વ્યાપે છે  ત્યારે ભગવાન  પૃથ્વી પર અવતાર ધારણ કરી પધારે છે. સાથે સાથે ધર્મનું સ્થાપન પણ કરે છે.

    અમેરિકામાં -જ્યોર્જીયા રાજ્યના સવાનાહ ખાતે, શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરમાં ચાલી રહેલ શ્રી મદ્ ભાગવત કથા પ્રસંગે પધારી રહેલ  પૂ.શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોન દ્વારા જણાવ્યું હતું કે ભારત દેશ મહાભાગ્યશાળી છે. જ્યાં રામકૃષ્ણાદિ અવતારો તથા મહાન પુરુષો ભારતમાં પ્રગટ થયા છે.

    ભગવાનની દિવ્ય લીલાઓ મોક્ષ મુૂલક છે જે લીલાઓનું સ્મરણ કરવાથી કલ્યાણ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ ભકતોનું રક્ષણ અને અસુરોના સંહાર માટે સુદર્શન ચક્ર ધારણ કરે છે. જ્યારે પોતાના ભકતોના મનને આનંદ આપવા માટે બંસરી પણ વગાડે છે.

    શ્રી કૃષ્ણના જન્મ સમયે રાતે કમળનું ખીલવુ, નિર્ધુમ યજ્ઞ કુંડો અને વરસાદી વાતાવરણમાં પણ  યમુનાના  નિર્મળ જળ એ ચમત્કારિક ઘટના છે.

    પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે આજે પણ ભગવાન પ્રગટ છે એની સાબિતી એ છે કે અત્યારે સારાયે ભારતભરમાં રાતના ૧૨ વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાતો હશે. અને તેમા લાખો ભાવિકો મંદિરમાં ઉપસ્થિત હશે. અંતમાં સંતો અને હરિભકતોએ સમૂહ રાસ લીધો હતો. દરેકને પંચજીરીનો પ્રસાદ વહેંચવામાં આવેલ, સભાનું સંચાલન  ભક્તિવેદાંતદાસજી સ્વામી અને ભાનુભાઇ પટેલે સંભાળ્યું હતું.

    ગુરુકુલમાં સંતો અને હરિભકતો દ્વારા કલાત્મક હિંડાળા શણગારવામાં આવેલ છે. દર્શનને સમય સવારે ૭ થી ૧૨  અને સાંજે ૪ થી ૮ સુધી રહેલ છે. હિંડોળા અમાસ તા.૧૧ શનિવાર સુધી ખુલ્લા રહેશે.

(2:56 pm IST)