ગુજરાત
News of Wednesday, 4th August 2021

સુરતમાં લક્ઝુરિયસ કારમાં ચોરખાના બનાવી દારૂની હેરફેર : બે આરોપીઓ ઝડપાયા : ત્રણ વોન્ટેડ જાહેર : 9.62 લાખથી વધુનો મુદામાલ જપ્ત

કાપોદ્રા-સીમાડા નાકા અમીદીપ હોન્ડાની સામેના ચાર રસ્તા અને વરાછા, કમલપાર્ક, બંસીભાઇના ડેલા પાસેથી 2 લક્ઝુરિયસ કારમાં ચોરખાના બનાવી દારૂની હેરાફેરીના રેકેટને પકડી પડાયું

સુરત : પોલીસે સુરત શહેરના કાપોદ્રા-સીમાડા નાકા અમીદીપ હોન્ડાની સામેના ચાર રસ્તા અને વરાછા, કમલપાર્ક, બંસીભાઇના ડેલા પાસેથી 2 લક્ઝુરિયસ કારમાં ચોરખાના બનાવી દારૂની હેરાફેરીના રેકેટને પકડી પાડ્યું છે. 30 લાખની ફોર્ચ્યુનર કારમાં ચોરખાના બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. પોલીસે 36 હજારની કિંમતની 72 બોટલ સાથે લાખોનો માલ જપ્ત કરી તપાસ શરુ કરી છે. કાપોદ્રા પોલીસે દારૂની હેરાફેરી કરતા 2 ને પકડીને 3 ને વોન્ટેડ જાહેર કર્યા છે.

કાપોદ્રા પોલીસને માહિતી મળી હતી કે, હીતેષભાઇ ઉર્ફે હીતલો ખોડી દાસભાઇ પટેલ તથા કૌશીકભાઇ મગનલાલ સેલડીયા દમણના મિત્ર પિયુષ હસ્તક આકાશ પાસેથી ટોયોટા કંપનીની ફોર્ચ્યુનરમાં ચોરખાના બનાવી વિદેશી દારૂ મગાવી રહ્યા હતા. માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી કારની તપાસ કરતા કારમાંથી 36275 રૂપિયાની 72 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી

વધુમાં તેમને જણાવ્યું હતું કે, દારૂનો જથ્થો ભરત પુનાભાઇ બાંભણીયા, પિયુશ રાજેશભાઇ હાદવાનીને આપવાનો હોવાનું સામે આવ્યું હતું. જેઓ હ્યુનડાઇ કંપનીની આઇ-20 સ્પોર્ટસમાં કાર્ટિંગ કરતા પકડાય ગયા હતા. બન્ને વ્યક્તિ આઇ-20 ગાડીમાં પ્લાસ્ટીકના મીણીયા થેલામાંથી અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી. જોકે પોલીસે ભરત પુનાભાઇ બાંભણીયા તથા પિયુશ રાજેશભાઇ હાદવાનીને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરુ કરી છે.

મળતી માહિતી અનુસાર, પકડાયેલ આરોપીઓ હીતેષ ઉર્ફે હીતલો ખોડી દાસભાઇ પટેલ અને કૌશીકમગનલાલ સેલડીયા વિરુધ કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે. વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કાચની બાટલીઓની કુલ કિંમત 36275 રૂપિયાની હોય અને મળી આવેલ એક સફેદ કલરની ટોયોટા કંપનીની ફોર્ચ્યુનરની કિંમત રૂપિયા 3 લાખ, એક સફેદ કલરની હ્યુનડાઇ કંપનીની આઇ-20 સ્પોર્ટસ કારની કિંમત રૂપિયા 2 લાખ, અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ 2 જેની કિંમત 25 હજાર રૂપિયા અને અંગ ઝડતીના રોકડા 1150 રૂપિયા મળી કુલ 9,62,425 રૂપીયાનો માલ જપ્ત કરીને પો.ઇન્સ એ.જે.ચૌધરીએ તપાસ શરુ કરી છે.

(8:25 pm IST)