સુરતમાં મહિલા TRB કર્મચારીનું અકસ્માતમાં મોત : બીમાર માં -બહેનનો આધાર છીનવાયો !
વરિયાવ-છાપરાભાઠા રોડ ઉપર ટ્રેલર ચાલકે એક્ટિવા સવાર મહિલા TRB કર્મચારી ને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત : પહેલા પિતા પછી મામા અને હવે બહેન નું અકસ્માત માં કરૂણ મોત થતા પરિવાર નોંધારો બન્યો
સુરતમાં વરિયાવ-છાપરાભાઠા રોડ ઉપર ટ્રેલર ચાલકે એક્ટિવા સવાર મહિલા TRB કર્મચારી ને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ટ્રેલર જય મા સંતોષી એજન્સીનું હોવાનું સામે આવ્યું છે. મૃતક પ્રીતિબેન પ્રવિણભાઇ ચૌધરી TRB માં ફરજ બજાવતા હતા અને સવાર પાળીમાં ફરજ ઉપર જવા ઘરે થી માતાને પગે લાગીને નીકળ્યા હતા. કરૂણતા તો એ છે કે મૃતક યુવતીના પિતાનું સાત વર્ષ પહેલાં અકસ્માતમાં મોત થયું હતું ત્યારબાદ મામા મદદ કરતા હતા તેઓ નું પણ અકસ્માતમાં મોત થતા પ્રિતી બેન નોકરી કરી નાની બહેન અને માનસિક બિમાર માતાની જવાબદારી ઉઠાવી રહી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રેલર ચાલક સંદીપ બિંધની અટકાયત કરી હતી.
પ્રીતિને નોકરી પર લાગીને લગભગ બે વર્ષ જ થયા હતા. પિતાનું 7 વર્ષ પહેલાં અકસ્માતમાં મૃત્યુ થયા બાદ પરિવારમાં પ્રીતિના મામા થોડી ઘણી આર્થિક મદદ કરતા હતા તેઓનું પણ અકસ્માતમાં મૃત્યુ થયા બાદ આખું પરિવાર તૂટી ગયું હતું. જોકે પ્રીતિ ધોરણ 12 સુધીનો અભ્યાસ કરી TRBમાં જોડાઇ ગઈ હતી. દુઃખની વાત એ છે કે એક નાની બહેન અને માનસિક બીમાર માતા તારાબેનનો આર્થિક સહારો અકસ્માતમાં છિનવાઇ જતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે