ગુજરાત
News of Tuesday, 4th May 2021

કોરોનાકાળમાં પાટણ નગરપાલિકા દ્વારા રૂ.૧ના ટોકનના ભાવે શબવાહિની આપવા નિર્ણયઃ મૃતદેહની કોવિડની ગાઇડલાઇન મુજબ સ્મશાનમાં અંતિમવિધી કરાશે

પાટણ: કોરોનાના વધતા કહેર વચ્ચે પાટણ પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. પાટણ પાલિકા દ્વારા રૂપિયા 1 ના ટોકનમાં શબવાહિની આપવાનો નિર્ણય કરાયો છે. પાટણ પાલિકાની આ શબવાહિની કોવિડમાં મૃત્યુ પામ્યા હોય તેમના સ્વજનોને આપવામાં આવશે. કોવિડમાં મૃત્યુ પામનાર પરિવારના સ્વજન પાલિકામાં આવી નોંધણી કરાવીને માત્ર 1 રૂપિયાના ટોકનમાં શબવાહિની મેળવી શકશે. તો બીજી તરફ પાલિકાની શબવાહીનાના કર્મચારીઓ પોતાની અને પરિવારની ચિંતા કર્યા વિના કામગીરીમાં જોડાયા છે.

પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાના કેસ વધવાની સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લામાં દૂરદૂરથી કોરોના દર્દીઓની સારવાર માટે લોકો આવતા હોય છે. ત્યારે જો દર્દીનું મોત થાય તો તેમની અંતિમ વિધિ માટે ક્યાં લઈ જવા અને કેવી રીતે લઈ જવા તે મોટી મુશ્કેલી પરિવારો માટે ઉભી થતી હોય છે. આ મામલે પાટણ પાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં માત્ર 1 રૂપિયાના ટોકનમાં પાલિકામાંથી શબવાહિની આપવામાં આવનાર છે.

આ માટે પાલિકાને આ વિશે જોણ કરવાની રહેશે. જેથી નોંધણી બાદ જે સ્થળ પર જણાવો ત્યાં શબવાહિની પહોંચાડવામાં આવશે. એટલુ જ નહિ, મૃતદેહના કોવિડની ગાઈડ લાઈન મુજબ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરાશે. તે માટે મૃતકના પરિવારજનોએ માત્ર પાલિકામાં નોંધણી કરાવવાની રહેશે.

પાટણ માર્કેટ યાર્ડમાં 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

પાટણ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા માર્કેટ યાર્ડના વેપારીઓએ સ્વૈચ્છિક બંધનો મહત્વનો નિર્ણય લીધો છે. પાટણ માર્કેટ યાર્ડ આગામી તારીખ 6 મેથી 15 મે સુધી સંપૂર્ણ બંધ રહેશે. પાટણ માર્કેટ યાર્ડના વેપારીઓ દ્વારા પત્ર લખી બંધ રાખવાનો જોહેરાત કરાઈ છે. આમ, કોરોનાને કારણે પાટણ માર્કેટ યાર્ડમાં 10 દિવસ માટે સંપૂર્ણપણે લોકડાઉન રહેશે. સાથે જ કોરોનાનું સંક્રમણ વધતા માર્કેટ યાર્ડમાં તમામ પ્રકારની હરાજી તેમજ વેપાર બંધ રહેશે. કોરોના સંક્રમણને નિવારવા માર્કેટ યાર્ડના વેપારીઓ દ્વારા આ પહેલ કરાઈ છે.

(4:54 pm IST)