ગુજરાત
News of Tuesday, 4th May 2021

ગુજરાતમાં કોરોનાના ગંભીર દર્દીઓની હાલત ખરાબ, હોસ્પિટલો કહે છે ઓક્સિજન નહીં મળે, દાખલ થવુ હોય તો થાવઃ ગુજરાતમાં સંક્રમણની ચેઇન તોડવા સરકારે લોકડાઉન મુકવુ જોઇઍઃ હાઇકોર્ટ સમક્ષ ઍડવોકેટ શાલીન મહેતાની રજૂઆત

અમદાવાદ: ગુજરાતભરમાં લોકડાઉનના ભણકારા વાગવા લાગ્યા છે. લોકડાઉન લાગશે કે નહિ તે વિશેની ચર્ચાએ ફરીથી જોર પકડ્યુ છે. લોકડાઉન લાગશે કે નહિ તે વિશે કાનાફૂસી થઈ રહી છે. ગુજરાત હાઇકોર્ટે રાજ્યની કોરોના સ્થિતિ ધ્યાને રાખી લીધેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી થઈ છે. ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિયેશન પાસે માંગેલા સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યની હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાની એડવોકેટ એસોસિયેશને રજૂઆત કરી છે. સાથે જ હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ શાલીન મહેતાએ કહ્યું કે, આવનારા 15 દિવસમાં જ સંક્રમણની ચેઇન તોડવા માટે સરકારે લોકડાઉન મૂકવું જોઈએ.

હોસ્પિટલોમાં બપોરનું જમવાનું સાંજે મળે છે

એડવોકેટ એસોસિયેશનના વકીલ શાલીન મહેતાએ કોર્ટમાં દલીલ કરી કે, આવનારા 15 દિવસમાં જ સંક્રમણની ચેઇન તોડી શકાય છે. આ માટે સરકારે લોકડાઉન મૂકવું જોઈએ. નબળા વર્ગના લોકો માટે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ. આવનારા દિવસોમાં લગ્નો પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. ગંભીર દર્દીઓની હાલત ખરાબ છે. હોસ્પિટલો કહી રહી છે કે, ઓક્સિજન નહિ મળે, દાખલ થવું હોય તો થાવ. હોસ્પિટલમાં સફાઈ પણ કરાતી નથી. બોપોરનું જમવાનું સાંજે 4 વાગ્યે મળે છે. ધન્વંતરિ રથની કામગીરી માટે જોહેરાતો થઈ, પણ સંતોષકારક કામગીરી નથી થઈ.

આ પહેલા પણ શાલીન મહેતા લોકડાઉનની જરૂરિયાત હોવાનું કહી ચૂક્યા છે

ઉલ્લેખનીય છે કે, આ પહેલાની સુનાવણીમાં પણ એડકવોકેટ શાલીન મહેતા લોકડાઉનની ગુજરાતમાં જરૂરિયાત હોવાની રજૂઆત કરી ચૂક્યા છે. આ પહેલાની સુનાવણીમાં એડવોકેટ એસોસિયેશનના વકીલ શાલીન મહેતાની કોર્ટમાં મહત્વની રજૂઆત કરતા કહ્યું હતું કે, કોરોનાની ચેન તોડવા એક જ ઉપાય લોકડાઉન છે. જર્મની, સિંગાપુર, લંડનમાં પણ લોકડાઉન બાદ કેસો ઘટ્યા છે. લોકોની ગતિવિધિઓ બહાર નીકળવાની ચાલી છે. જેથી લોકડાઉન જરૂરી છે. કોરોનાની ચેન તોડવા 7 થી 8 દિવસનું લોકડાઉન એક જ ઉપાય છે.

તો હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ અમિત પંચાલે રજૂઆત કરી કે, ધન્વંતરિ હોસ્પિટલમાં 900 બેડની હોસ્પિટલ છે અને તેમાથી માત્ર 641 બેડ જ કાર્યરત છે. દર્દીઓને સાર સંભાળ રાખવાવાળું અહીં કોઈ જ નથી. લોકોમાં ગેરસમજ ઉત્પન્ન થાય છે કે ધનવન્તરી હોસ્પિટલ 900 બેડની છે પરંતુ તેવું નથી. જેથી લોકો હેરાન થઇ રહ્યા છે.

(4:52 pm IST)