ગુજરાત
News of Saturday, 4th May 2019

પ્રોહિબિશન ગુનામાં ડિઝાઇન FIR નોંધવા પોલીસમાં ચલણ

હાઇકોર્ટે રાજય સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો : ૨૦૧૮થી હજુ સુધીના કેસમાં રિપોર્ટ રજૂ કરવાનો હુકમ

અમદાવાદ,તા. ૪ : ગુજરાત રાજયમાં દારૂ-પ્રોહીબીશનના કેસોમાં પોલીસની કામગીરી અને પધ્ધતિ સામે ગંભીર સવાલ ગુજરાત હાઇકોર્ટે ઉઠાવી માર્મિક ટકોર કરી છે. હાઇકોર્ટે પોલીસ તંત્રની તીખી આલોચના કરતાં જણાવ્યું તું કે, પ્રોહીબીશનના ગુનામાં બુટલેગરો તકનો લાભ લઇ નાસી ગયા હોવાની ડિઝાઇન એફઆઇઆર નોંધવાનું જાણે ગુજરાત પોલીસમાં એક ચલણ બની ગયુ છે. હાઇકોર્ટે પ્રોહીબીશનના કેસોની સંબંધિત માહિતી સાથેનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવા રાજય સરકારને આદેશ કર્યો હતો. ખાસ કરીને તા.૧લીમે, ૨૦૧૮થી આજદિન સુધીનો પ્રોહીબીશનના કેસોનો રિપોર્ટ અદાલત સમક્ષ રજૂ કરવા હાઇકોર્ટે રાજય સરકારને તાકીદ કરી હતી.

   પ્રોહીબીશનના કેસોમાં પોલીસની કામગીરી અને પધ્ધતિને લઇ હાઇકોર્ટે આશ્ચર્ય સાથે સવાલ ઉઠાવતાં માર્મિક ટકોર કરી હતી કે, દારૂ-પ્રોહીબીશનના કેસોમાં જાણે એક જ પ્રકારની બીબાઢાળ એફઆઇઆર કરવાની જાણે ગુજરાત પોલીસમાં પ્રથા પડી ગઇ છે. હાઇકોર્ટે આ સમગ્ર મામલે પ્રોહીબીશનના કેસોમાં પોલીસ સ્ટેશનનું નામ, એફઆઇઆર નંબર, તારીખ, ભાગી ગયેલા આરોપીનું નામ, રેડમાં સામેલ પોલીસકર્મીનું નામ, જગ્યા વાહન નંબર અને જિલ્લાવાર નોંધાયેલા કેસોની માહિતી સાથેનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવા રાજય સરકારને હુકમ કર્યો હતો. આ સિવાય અગાઉથી જ બાતમી હોવા છતાં કરેલી રેડમાં આરોપી ભાગી ગયા હોય એવા કિસ્સાઓમાં શું પગલાં લેવા તે માટે ઈન-હાઉસ મિકેનિઝમ બનાવ્યું કે નહીં તેનો પણ રાજ્ય સરકારને રિપોર્ટ આપવા હાઇકોર્ટે સરકારને સ્પષ્ટ તાકીદ કરી છે. ઇબ્રાહીમ કેવર નામના અરજદાર તરફથી કરાયેલી રિટ અરજીમાં જસ્ટિસ એસ.એચ.વોરાએ આ હુકમ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી તા.૧૨મી જૂલાઇનો રાજ મુકરર કરી હતી.

(9:48 pm IST)