ગુજરાત
News of Saturday, 4th April 2020

વડોદરા-અંકલેશ્વરની ૪ કંપનીઓને સુપ્રીમકોર્ટે .૧૦ કરોડ લેખે કુલ રૂ.૪૦ કરોડનો દંડ ફટકાર્યો

ર્યાવરણીય મંજૂરી વગર જ નવી કંપનીની સ્થાપના અથવા જૂની કંપનીનો વિસ્તાર કરવાનો મામલો

નવી દિલ્હી : પર્યાવરણીય મંજૂરી વગર જ નવી કંપનીની સ્થાપના અથવા તો જૂની કંપનીનો વિસ્તાર કરવાના મામલે ૧૯૯૫થી ચાલી રહેલા એક કેસમાં સુપ્રિમ કોર્ટે તાજેતરમાં ગુજરાતમાં વડોદરા-અંકલેશ્વરમાં આવેલી ૪ કંપનીઓને પ્રત્યેકને રૂ.૧૦ કરોડ લેખે કુલ રૂ.૪૦ કરોડનો દંડ ફટકાર્યો છે. આ કેસ વડોદરાની સંસ્થા પર્યાવરણ સુરક્ષા સમિતિ અને પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટિઝ દ્વારા દાખલ કરાયો હતો.

   પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિએ આ મામલે વિગતો આપતા કહ્યું હતું કે દેશભરમાં ઉદ્યોગો દ્વારા થઇ રહેલા પર્યાવરણના નિકંદનને કાબુમાં લાવવા માટે ૧૯૯૪માં ભારત સરકારે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન જાહેર કર્યુ હતું જે મુજબ જે કંપનીઓ પોતાના ઉદ્યોગનો વિકાસ કરવા માગતી હોય અથવા નવુ એકમ ઉભુ કરવા માગતી હોય તેણે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવુ ફરજીયાત બનાવવામાં આવ્યુ તેમ છતાં કંપનીઓ દ્વારા આ નિયમનો ભંગ કરવામાં આવતો હતો

  ગુજરાતમાં અંકલેશ્વર ખાતે યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ, પાનોલીમાં યુનિક કેમિકલ્સ લિમિટેડ અને પાનેલાવમાં એલેમ્બિક ફાર્માના બે યુનિટો દર્શક પ્રા.લી. અને નિરાયુ પ્રા.લી. દ્વારા આ નિયમનો ભંગ કરવામાં આવતા અમે ૨૦૦૧માં હાઇકોર્ટમાં ગયા હતા. હાઇકોર્ટમાં કેસ ચાલ્યો હતો અને અંતે કેસ ૨૦૧૫માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ટ્રાન્સફર કર્યો હતો. ટ્રિબ્યુનલે તમામ પુરાવાઓ અને દલીલો સાંભળીને તમામ યુનિટો બંધ કરીને દરેકને રૃ.૧૦ લાખનો દંડ અને અરજીકર્તાઓને દરેક કંપનીએ ૨૦ હજાર ચુકવવાનો આદેશ કર્યો હતો જેની સામે આ કંપનીઓ સુપ્રિમ કોર્ટમાં ગઇ હતી. સુપ્રિમકોર્ટે આ મામલે આદેશ આપ્યો છે કે આ કંપનીઓ તેના યુનિટ ચાલુ રાખી શકે છે પરંતુ પર્યાવરણ કાયદાનો ભંગ કર્યો છે એટલે દરેક કંપનીઓએ રૂ.૧૦ કરોડનો દંડ જીપીસીબીમાં જમા કરાવવો અને આ ફંડનો ઉપયોગ જે વિસ્તારમાં કંપની આવેલી છે તે વિસ્તારના પર્યાવરણ માટે કરવો.

(12:42 pm IST)