ગુજરાત
News of Saturday, 4th April 2020

નર્મદાના અંતરિયાળ વિસ્તારમાં ઓછું અનાજ અપાતું હોવાની બુમ: કલેકટર દ્વારા પગલાં લેવાય તેવી માંગ

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના માથાસર અને પાટવાલી ગ્રામજનોએ સસ્તા અનાજના દુકાનદારો દ્વારા ભ્રષ્ટાચાર આચરાતો હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની અછત ન પડે તે માટે સરકારે ૧લી એપ્રિલ થી ૩ જી એપ્રિલ સુધી સસ્તા અનાજની દુકાનો પર નિ:શુલ્ક વિતરણની શરૂઆત કરી છે.દરમિયાન નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારો માં નિયમ કરતા ઓછું અનાજ અપાતું હોવાની બુમો ઉઠી છે.દુકાનદારો અને અધિકારી ઓ આદિવાસીઓને છેતરે છે અને નિયમ કરતા ૫૦% ઓછું અનાજ આપતા હોવાના ગંભીર આક્ષેપો લગાવી નર્મદા જિલ્લા કલેકટર આ મામલે તપાસ કરે એવી આદીવાસીઓની માંગ છે.

 નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના માથાસર અને પાટવાલી ગ્રામજનોએ સસ્તા અનાજના દુકાનદારો દ્વારા ભ્રષ્ટાચાર આચરાતો હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.પાટવાલી ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે અમે 2 જી તારીખે અમે સસ્તા અનાજની દુકાને અનાજ લેવા ગયા ત્યારે ઓછા અનાજની ફરિયાદ લઈને એક વિધવા મહિલા ત્યાં બેઠી રડતી હતી.બાદમાં અમે ડેડીયાપાડા તાલુકાના પ્રાંત અધિકારી,મામલતદાર,નાયબ મામલતદાર નો ટેલિફોનિક સંપર્ક કર્યો.અને એક ટિમ અમારા ગામમા આવી અને ગ્રાહકોની સામે જ અનાજ તોલાવ્યું ત્યારે નિયમ કરતા લગભગ ૫૦% અનાજ ઓછું અપાતું હોવાનું કૌભાંડ બહાર આવ્યું.બાદમાં તપાસ ટીમના અધિકારીઓ એ પંચકેસ કરી ઉપલી કક્ષાએ રિપોર્ટ પણ કર્યો હતો.
 પાટવાલી ગામના પાંડિયા વસાવા, ગણેશ વસાવા, ગંભીર વસાવા, નૂરજી વસાવા તથા દિનેશ વસાવાએ જણાવ્યું હતું કે અગાઉ પણ જે ગ્રામજનોને અનાજ આપ્યું હતું એ પણ નિયમ કરતા ઓછું અપાયું હતું.અમારા ગામમા તો ઘણા સમયથી આવું જ ચાલે છે.અત્યારે અને પેહલા જે અનાજ અપાયું એની ગુણવત્તા બિલકુલ ખરાબ છે.છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારની સસ્તા અનાજની દુકાનોમાં ખરાબ અનાજ આવે છે તથા મોટા ભ્રષ્ટાચારો થાય છે.

(9:06 pm IST)