ગાંધીનગરમાં કોંગ્રેસના સી.જે. ચાવડાનું શકિત પ્રદર્શનઃ વાજતે ગાજતે ઉમેદવારી
અમિતભાઇ શાહ સામે સી.જે. ચાવડા મેદાને: આજે ગાંધીનગર ખાતે કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડાએ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એસ.કે.લાંગા સમક્ષ ઉમેદવારી પત્ર રજુ કરેલ તે પ્રસંગની તસ્વીરમાં બાજુમાં અધિક કલેકટર એચ.એમ. જાડેજા અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત છે.
ગાંધીનગર તા.૪: રાજ્યના પાટનગર ગાંધીનગર લોકસભાની બેઠક માટે કોંગ્રેસના ધારાસભ્ય ડો. સી.જે. ચાવડાએ આજે પ્રસિદ્ધ વાસણીયા મહાદેવ ખાતેથી ખુબ જ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે રેલીનું આયોજન કરેલ છે. તેઓ એ આજે ૧૨.૩૯ કલાકે કલેકટર કચેરી ગાંધીનગર ખાતે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું.
આજની આ વિશાળ રેલીમાં જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, મહાનગર પાલિકાના કોર્પોરેટરો, વિવિધ ગામોના સરપંચો અને કાર્યકરો આ રેલીમાં જોડાયા હતા. ખૂબ લાંબી રેલીથી શકિત પ્રદર્શન થતા સૌનું ધ્યાન ખેંચાયું છે.
આ ઉપરાંત પાટીદાર સમાજના યુવા અગ્રણી, હાર્દિક પટેલ, ધારાસભ્ય બળદેવજી ઠાકોર, માજી ધારાસભ્ય ડો. જીતુ પટેલ, ઉત્તર ગુજરાત પાટીદાર સમાજના અગ્રણી રજની પટેલ, મહેશ પટેલ (પપ્પુ), હરિશભાઇ પટેલ વગેરે લોકો જોડાયેલ હતા.