ગુજરાત
News of Thursday, 4th March 2021

પૂર્વ કોર્પોરેટરના કર્મીની જન્મ દિવસની પાર્ટીમાં દારૂની મોજ

નેતાઓના સગાઓને કોઈ કાયદા લાગુ પડતા નથી : ભાજપના કાર્યકરો દારૂની મહેફિલ જમાવે છે, સોશિયલ મીડિયા ઉપર ફોટો-વીડિયો વાયરલ કરી પડકાર ફેંકે છે

વડોદરા, તા. : વડોદરામાં કેટરિંગનો વ્યવસાય કરનારા પૂર્વ કોર્પોરેટરના કર્મચારીની બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ સાથે પાણીપુરીની પુરીમાં દારૂ ભરી દારૂ પુરીની મોજ માણતા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભાજપ મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કોર્પોરેટર નીતિન કાછીયા પટેલ હાલ તેઓ લગ્ન પ્રસંગમાં કેટરિંગનો વ્યવસાય કરે છેતેઓને ત્યાં ફરજ બજાવતા નારી ભાઈ નામના કર્મચારીની ગઇરાત્રે બર્થ ડે પાર્ટી યોજી હતી.

વડોદરા શહેરમાં એક બાજુ નવા પોલીસ કમિશનર આવ્યા બાદ દારૂબંધીનો કડક અમલ થઈ રહ્યો હોવાની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. દેશી દારૂ પીને ધમાલ કરનારા મજૂરો વ્યક્તિઓને ઝડપી પાડી કેસ કરવામાં આવે છે જ્યારે કોર્પોરેશનની ચૂંટણીમાં પણ દારૂની વહેંચણી થઈ હોવાની વાતો વહેતી થઇ હતી તો બીજી બાજુ ભાજપના કાર્યકરો બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ જમાવે છે એટલું નહીં પોતે સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ્સ અને વિડીયો વાયરલ કરી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે.

ભાજપના પૂર્વ કોર્પોરેટરના કર્મચારી નારૂભાઈના જન્મદિન પ્રસંગે ગઇરાત્રે ખંડેરાવ માર્કેટ પાછળ આવેલા કેટરિંગના ગોદામમાં દારૂની મહેફિલ સાથેની પાર્ટીનું આયોજન કર્યું હતું.

શહેરમાં એક બાજુ રાત્રિના સમયે કરફ્યુ લાગી જાય છે તો બીજી બાજુ રાત્રે ૧૨ વાગ્યાના ટકોરે પૂર્વ કોર્પોરેટરે તેમને ત્યાં ફરજ બજાવતા કર્મચારીની જન્મદિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું.

પાર્ટીમાં હાલના મહિલા કોર્પોરેટરના પતિ અને ભાજપના પૂર્વ કોર્પોરેટર નીતિન કાછીયા પટેલ અને ભાજપના પૂર્વ કોર્પોરેટર ભુપેન્દ્ર કાછીયા પટેલ, ઉપરાંત વોર્ડ નંબર ૧૩ના પૂર્વ મહિલા કોર્પોરેટરના સંબંધી અને ભાજપના કાર્યકર ભરત દેવરે અન્ય કાર્યકર મિલિન્દ મુકાદમ સહિત કેટલાક કાર્યકરો અને કેટરિંગની પેઢીમાં કામ કરનારા કર્મચારીઓ દારૂની મહેફિલમાં જોડાયા હતા. દારૂની મહેફિલમાં દારૂની છોળો ઉડાડી તેની સાથે સાથે પાણીપુરીની પુરીમાં દારૂ ભરીને દારૂ પુરી ની મોજ પણ માણી હતી. ભાજપના કાર્ય કરો અને આગેવાનોને કોઈપણ જાતના કાયદા લાગુ પડતા નથી એટલું નહીં શિસ્તને વરેલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છાકટા બની કાયદાઓ નેવે મૂકી પાર્ટીઓનું આયોજન કરતા રહ્યા છે.

(8:44 pm IST)