ગુજરાત
News of Thursday, 4th March 2021

તાપીમાં મીડિયાકર્મી પર હુમલા સંદર્ભે વલસાડમાં આવેદનપત્ર અપાયું

તાપી જિલ્લામાં સ્થાનિક ચેનલના પત્રકાર ઉપર થયેલા હિંસક હુમલા સંદર્ભે વલસાડના પત્રકારોએ પત્રકાર વેલફેર એસોસીએશનના પ્રમુખ હર્ષદ આહિરની આગેવાનીમાં વલસાડ જિલ્લા અધિક કલેકટર એન.એ. રાજપૂતને આવેદનપત્ર આપી પત્રકારો ઉપર થતાં હુમલા સંદર્ભે કડક કાયદા ઘડવાની માંગ કરી હતી.

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :તાપી જિલ્લામાં સ્થાનિક ચેનલના પત્રકાર અનિલ ગામીત દ્વારા ચૂંટણી પરિણામના દિવસે પરિણામ જાહેર થયા બાદ જિલ્લા પંચાયતની ચૂંટણી હારી ગયેલા ભાજપના ઉમેદવાર દિનેશભાઈ ગામીતના બ્રેકીંગ ન્યુઝ પ્રસારિત કર્યા હતા. જેની અદાવત રાખી સાંજે 7:00 વાગ્યે અનિલભાઈ બાઇક ઉપર પસાર થઇ રહ્યા હતા. ત્યારે તેમણે મળતીયાઓ સાથે રસ્તા ઉપર અટકાવી માર માર્યો હતો. જેમાં મીડિયાકર્મીને ખભાના ભાગે ફ્રેકચર થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવાની નોબત આવી હતી. બનાવ અંગે મીડિયાકર્મીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાના પત્રકાર આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. વલસાડના પત્રકાર વેલ્ફેર એસોસીએશનએ આ ઘટનાની નિંદા કરી વલસાડના અધિક કલેકટર એન.એ. રાજપૂતને આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાત સરકારને પહોંચાડવા માટે લખાયેલા આવેદનપત્રમાં અવારનવાર પત્રકારો પર થતા હુમલાની ઘટના સંદર્ભે સરકાર ગંભીર બની પત્રકારો પર થતા હુમલા અંગે કાયદો ઘડવાની માંગ કરી હતી. તેમજ ગુંડા બની કાયદો હાથમાં લેનારાઓને નશ્યત કરવાની પણ માંગ કરી હતી.

(7:28 pm IST)