ગુજરાત
News of Thursday, 4th March 2021

વિજયભાઈ રૂપાણીની સરકાર પાણીદાર સરકાર પારદર્શિતાથી વિકાસલક્ષી નીતિના પરિણામે પ્રજાનો ભરોસો અમારા પર ઉતરોતર વધી રહ્યો છે :મહિલા બાળ કલ્યાણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે

માત્ર ૧૪૦૦ દિવસમાં ૧૫૦૦થી વધુ જનહિતલક્ષી નિર્ણયોથી ૩૬૦ ડિગ્રી વિકાસને લીધે ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ લઈ જવાની નેમ: પ્રજાકીય યોજનાઓના લાભો ઓનલાઈન અને ફેસલેસ પદ્ધતિથી કરી વચેટિયાઓને દૂર કર્યાં

અમદાવાદ : મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વવાળી અમારી સરકારે ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવા આગેકૂચ કરી છે. રાજ્ય સરકારની પારદર્શિતા અને વિકાસલક્ષી નીતિના પરિણામે પ્રજાનો ભરોસો અમારા પર ઉત્તરોતર વધી રહ્યો છે. એટલે જ અમારી જવાબદારી છે કે પ્રજાની આશાઓ અપેક્ષાઓ  પરિપૂર્ણ કરવી. 
  ગુજરાત વિધાનસભા ખાતે રાજ્યપાલશ્રીના સંબોધન પરની ચર્ચામાં ભાગ લેતા મંત્રી શ્રીમતી દવેએ જણાવ્યું હતુ કે, પ્રજાકીય આશાઓ અપેક્ષાઓ રજૂઆત આવે તે પહેલાં જ મુખ્યમંત્રી દ્વારા નિરાકરણ કરવામાં આવે છે. અમારી સરકારે માત્ર ૧૪૦૦ દિવસમાં જ ૧૫૦૦થી વધુ જનહિતલક્ષી નિર્ણયો કરીને ૩૬૦ ડિગ્રીથી વિકાસ સાધ્યો છે. જેના પરિણામે દેશભરમાં આજે ગુજરાત રોલ મોડલ પૂરવાર થઈ રહ્યું છે. 
મંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો પારદર્શિતાથી લોકોને સત્વરે મળે અને વચેટિયા પ્રથા દૂર થાય એ માટે ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરી ફેસલેસ વ્યવસ્થા ઉભી કરી દીધી છે અને લાભોની સહાય DBTથી સીધી ખાતામાં જમા કરાવી દેવાય છે. ઈ-સેવાના માધ્યમ દ્વારા ગુજરાતે પહેલ કરીને સેવાઓ લોકોને ઘેરબેઠા પૂરી પાડી છે. જેના પરિણામે લોકોને સરકારી કચેરીના ધક્કા ઓછા થયા છે. એ જ રીતે ભરતી પ્રક્રિયાઓ, મહેસૂલી સેવાઓ અને ખેડૂતોને લગતી મોટાભાગની સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ બનાવી છે.
  તેમણે  ઉમેર્યું કે, ગુજરાતે જળ ક્ષેત્રે અને ઊર્જા ક્ષેત્રે કરેલી શ્રેષ્ઠ કામગીરીને પરિણામે ગુજરાત દેશભરમાં મોખરે છે. નાગરિકોને ઘરઆંગણે પીવાનું શુદ્ધ પાણી પૂરું પડવા માટે ‘નલ સે જલ’ યોજના હેઠળ ૮૫ ટકા કામગીરી પૂર્ણ કરેલ છે અને આગામી સમયમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરાશે. સૌની યોજના દ્વારા ડેમો પણ ભર્યાં છે અને સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હેઠળ પણ ૪૨ હજાર ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો કર્યો છે. ૧૫૦ નગરપાલિકામાં STP-સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ પણ કાર્યરત કર્યાં છે. જયારે દરિયાના ખારા પાણીને મીઠું કરવા માટે ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાની પણ શરૂઆત કરી દીધી છે.  
મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ કહ્યું કે, ઊર્જા ક્ષેત્રે પણ અમારી સરકારે શ્રેષ્ઠ કામગીરી કરી છે. કોંગ્રેસના શાસનમાં જી.ઇ.બી ખોટ કરતું હતું. જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જ્યોતિગ્રામ યોજના થકી ૨૪ કલાક ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડી છે. જેના પરિણામે ગ્રામ્ય જીવન અને અર્થતંત્ર મજબૂત બન્યુ છે. એટલું જ નહીં ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવા જવું ન પડે એ માટે કિસાન સૂર્યોદય યોજના થકી દિવસે વીજળી પૂરી પાડવાની શરૂઆત કરીને ખેડૂતોના અંધારા  ઉલેચ્યા છે. એ જ રીતે સૌર ઊર્જા ક્ષેત્રે પણ ગુજરાતે દેશભરમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે. રૂફટોપસોલારમાં ગુજરાત ૬૪% હિસ્સા સાથે દેશમાં મોખરે છે. ચારણકા ખાતે એશિયામાં સૌથી મોટો સોલાર પ્રોજેક્ટ કાર્યરત છે. એટલું જ નહીં કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટની ક્ષમતાવાળા  સોલાર પ્રોજેક્ટનું ભૂમિ પૂજન પણ વડાપ્રધાનએ કર્યુ છે જેના પરિણામે રાજ્યમાં રોજગારીની વ્યાપક તકો ઉપલબ્ધ બનશે. 
તેમણે ઉમેર્યુ કે, કોરોનાના કપરા કાળમાં પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અદભુત કામગીરી થઇ જેના પરિણામે આપણે મહામૂલા માનવજીવન બચાવી શક્યા છીએ. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રચાયેલ કોર કમિટિએ લીધેલા નિર્ણયોને પરિણામે આ શક્ય બન્યુ છે. સાથે સાથે સી.એમ. ડેશ બોર્ડ દ્વારા સતત મોનીટરીંગ પણ મુખ્યમંત્રીશ્રી કક્ષાએ થઇ રહ્યુ છે. રાજ્ય સરકારે કોરોના માટે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો જિલ્લે જિલ્લે ઉભી કરી પૂરતા બેડ ઉપલબ્ધ બનાવ્યા તથા ૪૫ હજાર રૂપિયાનું મોંઘામાં મોંઘુ ઇન્જેક્શન દર્દીઓને વિનામૂલ્યે આપ્યુ છે. કોરોનાના કપરાકાળમાં વેપાર જગત તથા નાના વ્યવસાયકારોને સહાયરૂપ થવા રૂા.૧૪ હજાર કરોડનું આત્મનિર્ભર ગુજરાત પેકેજ પણ ગુજરાતે દેશમાં પ્રથમ વાર જાહેર કરી લાભો પૂરા પાડ્યા છે. નાગરિકોને વીજ બીલમાં રાહત સહિત ગરીબ મધ્યમવર્ગના પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ પણ પૂરુ પાડ્યું છે.
  તેમણે કહ્યું કે, વિધવા, ત્યક્તા અને ગંગાસ્વરૂપા બહેનોને મળતી સહાયમાં પણ ઉત્તરોત્તર વધારો કર્યો છે. ગંગાસ્વરૂપા ૮.૫૦ લાખ બહનોને આજે લાભ આપી રહ્યા છીએ. આ માટે રૂા.૯૦૦ લાખનો ખર્ચ પણ સરકાર કરી રહી છે. ૮.૩૦ લાખ નિરાધાર વૃદ્ધોને રૂા.૬૩ કરોડની સહાય પણ અપાય છે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારની હકારાત્મક નીતિ અને દ્રષ્ટિવંત આયોજનને પરિણામે રાજ્યના નાગરિકોને યોજનાકીય લાભો આપ્યા છે. જેના પરિણામે આજે ગુજરાત તમામ ક્ષેત્રે મોખરે છે.

(7:15 pm IST)