ગુજરાત
News of Thursday, 4th March 2021

આઈશા તો ન બચી પણ એ ઘટનાને ધ્યાને લઈને એક રિક્ષાચાલકે સુરતની મહિલાનો જીવ બચાવ્યો

પતિના ત્રાસથી કંટાળી મહિલા હોપ પુલ પરથી આપઘાત કરવા જતી હતી

સુરત : આયશ સાથે જે ઘટના અમદાવાદમાં બની હતી, તે આજે પણ લોકો ભૂલી શક્યા નથી. આયેશાને ન્યાય અપાવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે આયેશા જેવી જ ઘટના સુરતમાં બનતા રહી ગઈ છે. સુરતની એક પરણિત મહિલાની છે, જે સુરતના હોપ પુલ પરથી કુદવા જઈ રહી હતી. તે સમયે જ એક રિક્ષા ચાલકે તેને ખેંચી તેનો જીવ બચાવ્યો હતો. સતત પોતાના પતિના મેણા ટોણાથી કંટાળીને યુવતી આયશાની જેમ જ આપઘાતનો રસ્તો અપનાવવા જઈ રહી હતી. જો સમયસર રિક્ષાચાલક ત્યાં નહીં આવ્યો હોત તો વધુ એક આયશાએ જીવન ટૂંકાવ્યું હોત. આ અંગે રિક્ષા ચાલક તોસિફ શેખે કહ્યું હતું કે હાલમાં જ આયશાની ઘટનાને ધ્યાનમાં રાખીને તેને લાગ્યું કે મહિલા આપઘાત કરી લેશે. એ જ કારણ હતું કે તે તેની પાછળ જઇને તેનો જીવ બચાવ્યો હતો.

  મનીષાબેન પતિના ત્રાસથી સુરતના ચોક વિસ્તાર ખાતે આવેલા હોપ બ્રિજથી તાપી નદીમાં કુદવા જઈ રહી હતી. તે રડતા રડતા રસ્તા પરથી જઇ રહી હતી. ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા રિક્ષાચાલક તોસીફ શેખની નજર મનીષાબેન પર પડી હતી. તેને લાગ્યું કે આ મહિલા શા માટે રડીને બ્રિજ તરફ જઈ રહી છે. અને અચાનક જ તેની નજર સામે અમદાવાદની આયશાની ઘટના સામે આવી ગઈ હતી. તે મનીષાબેનનો પીછો કરીને હોપ બ્રિજ સુધી ગયો હતો. મહિલા બ્રિજની વચ્ચેથી તાપી નદીમાં કુદવા જઈ રહી હતી ત્યારે જ તોસિફે હાથ ખેંચીને મનીષાબેન જીવ બચાવી લીધો હતો

તોસીફે ત્યાર બાદ ત્યાં ઉભેલી મહિલાઓની મદદથી મનીષાબેનને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, અને સ્થાનિક પોલીસને પણ જાણ કરી હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મનીષાબેન બે પુત્રીની માતા છે. પતિ તેને ત્રાસ આપી રહ્યો હતો, મનીષાબેનના પતિએ તેમને કહ્યું હતું કે જે પણ કરવાનું હોય તે કરી લેજે, મને કોઈ.ફરક પડતો નથી.

અમદાવાદની આયેશાએ પોતાના પરિવારની વાત માની ન હતી, અને વીડિયો બનાવી સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. જોકે અહીં સુરતમાં મનીષાબેનને ભગવાને મોકલેલા દેવદૂત રૂપી તોસિફ મળ્યો હતો. ત્યારે જરૂર છે, કે મહિલાઓ દ્વારા બનતી આવી ઘટનાઓ અંગે માત્ર સમાજ જ નહીં પરંતુ તેના પરિવારજનો પણ ગંભીરતાથી વિચારે.

(6:29 pm IST)