ગુજરાત
News of Thursday, 4th March 2021

આ ભાજપની જીત નહીં ,EVM નો કમાલ છે : લોકશાહી ખતમ કરવાની ભાજપની સાજીસ: છોટુભાઈ વસાવા

જેને 3 બાળક હોય એ તાલુકા, જિલ્લા પંચાયતની ચુંટણી ન લડી શકે એ કાયદા સામે અમે કોર્ટમાં જઈશું: મહેશ વસાવા

રાજપીપળા:  સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભગવો લેહેરાયો છે. એક તરફ સમગ્ર ગુજરાતમાં ભાજપ ઉત્સાહ મનાવી રહ્યુ છે બીજી તરફ કોંગ્રેસ, BTP સહિત અન્ય રાજકીય પક્ષોએ ભાજપની જીત પર સવાલ ઉઠાવ્યા છે. BTPના સર્વેસર્વા છોટુભાઈ વસાવા અને BTP રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ તો ત્યાં સુધી કહી દીધું કે આ ભાજપની જીત છે જ નહીં આ તો EVM નો કમાલ છે.

નર્મદા અને ભરુચ જિલ્લામાં તો BTP, કોંગ્રેસનો બિલકુલ જ સફાયો થઈ ગયો છે. BTPના સર્વેસર્વા છોટુભાઈ વસાવાના પુત્ર દીલીપ વસાવાની રાજપારડી જિલ્લા પંચાયત બેઠક પરથી અને છોટુભાઈ વસાવાના જમણા હાથ તથા ભરૂચ જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ અનીલ ભગતનો પણ કારમો પરાજય થયો છે. BTPના સર્વેસર્વા છોટુભાઈ વસાવા અને BTP રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ જણાવ્યું કે જનતાએ જે નિર્ણય કર્યો છે એને અમે સ્વીકારીએ છીએ માથે ચઢાવીએ છીએ.

છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વિધાનસભા લોકસભામાં જો વિવીપેટ હોય છે તો સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કેમ ન્હોતું રખાયું, ભાજપની આ છેતરપીંડી કરવાની સાજીસ છે.મેં કોને મત આપ્યો છે એની મને ખુદને ખબર નથી પડી. અમે આ મુદ્દે કોર્ટના દ્વાર ખખડાવીશું. લોકોના માનસ પર ખોટી અસર પાડવા અને લોકોને આકર્ષવા માટે મહાનગર પાલિકાનું પેહલા પરિણામ જાહેર કર્યું છે. આ સરકાર કે ભાજપની જીત છે જ નહીં આ તો EVM નો કમાલ છે. ગુજરાતમાં છડેચોક ઘરે ઘરે દારૂ મળે છે, પોલીસ પણ મત માટે દારૂની પોટલીઓ લઈને ફરે છે. ગુજરાતમાં દારૂ બંધી છે જ નહીં, ચુંટણીમાં ખુલ્લેઆમ દારૂ અને પૈસા વેચાય છે. પોલીસ પ્રજાનો સાચો મિત્ર નથી પણ પોલીસ પ્રજાને લૂંટે છે

છોટુભાઈ વસાવાએ જણાવ્યું કે દેશની જનતા ભ્રષ્ટાચારથી કંટાળી ગઈ છે. દેશમાં મોંઘવારી છે જ નહીં સરકાર એવું બતાવવા માંગે છે. લોકોને ખાવાનું મળતું નથી, બાળકો કુપોષિત જન્મે છે, દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે. એવી સરકારને પ્રજા કેવી રીતે ચૂંટે એ મને ખબર નથી પડતી. જો EVM ની જગ્યાએ બેલેટ પેપર હોય તો ખબર પડે જનતા કોની સાથે છે.

જ્યારે BTP રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ જણાવ્યું હતું કે પ્રજાના વિવિધ પ્રશ્નો, દેશમાં મોંઘવારીનો મુદ્દો અને ખેડૂત આંદોલનને લીધે ભાજપની જીત શંકા ઉપજાવી કાઢે છે. લોકશાહી મુજબ અમને પરિણામ નથી મળ્યું. EVM હોવાને લીધે જ ભાજપ જીતે છે. અમે સિડયુલ 5, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે અમારી લડત ચાલુ જ રાખીશું. આ પરિણામથી અમને કોઈ ફરક નથી પડતો.લોકશાહી ખતમ કરવાની ભાજપની આ સાજીસ છે. જેને 3 બાળક હોય એ તાલુકા, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણી ન લડી શકે એવો નિયમ યુવાનોને રાજનીતિથી દૂર કરવા માટે જ બનાવ્યો છે. યુવાનો જો રાજનીતિમાં આવે તો લોકોમાં જાગૃતતા વધે અને ભાજપ-કોંગ્રેસની દુકાન બંધ થઈ જાય. અમે આ કાયદા સામે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં જઈશું.

(6:00 pm IST)