ગુજરાત
News of Thursday, 4th March 2021

પ્રજાની શાંતિ- સલામતિ અને સુરક્ષા આ સરકારનો મંત્ર છે: ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા

ઓર્ગેનાઇઝ ક્રાઇમ નાથવા ગુજસીટોક કાયદાથી અમદાવાદ શહેરમાં બે ગુનાઓ નોંધી ૧૮ ની ઘરપકડ

અમદાવાદ :ગૃહ અને કાયદા રાજય મંત્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતની પ્રજાની શાંતિ-સલામતી સુરક્ષા માટે જરૂરી કડક અને સખ્ત પગલા લઇ રહી છે. આ સંદર્ભે ઓર્ગેનાઇઝ ગુનાઓને સખત અને કડક હાથે ડામી દેવા ગુજસીટોક કાયદો અમલી બનાવ્યો છે.

 અમદાવાદ શહેરમાં ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ નોંધવામાં આવેલ ગુન્હા અને આરોપીઓની ધરપકડ અંગેના પ્રશ્નના ઉત્તરમાં ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ગુજસીટોકના આ કાયદા હેઠળ બે ગુનાઓ નોંધી ૧૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

  ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજસીટોકના કાયદા હેઠળ નોંધાયેલ આરોપીઓના નામે સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલ છે. ત્યારે આ કાયદા હેઠળ આવતા ગુનેગારોની શાન ઠેકાણે લાવવા નાત-જાતની ભેદભાવ વિના પગલા લેવામાં આવ્યા છે.  ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ સરકાર પ્રબળ ઇચ્છા શક્તિથી જ કાયદા બનાવે છે અને તેથી જ ગુજરાતની પ્રજાએ અમને શાસન આપ્યું છે.

 ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ચાર વખત આ કાયદો લાવવામાં આવ્યો પરંતુ વિપક્ષે તેનો વિરોધ કર્યો હતો. પરંતુ નરેન્દ્રભાઇ મોદી પ્રધાનમંત્રી પદે આવતા તેમજ ગૃહ મંત્રી તરીકે અમિતભાઇ શાહ આવતા આ કાયદાને મંજૂરી આપવામાં આવી છે. 

  આ કાયદા માટે સજાની જોગવાઇ સંદર્ભે ગૃહ રાજ્યમંત્રીશ્રી જાડેજાએ જણાવ્યું કે આતંકવાદી કૃત્ય, સોપારી આપવી, સાઇબર ક્રાઇમ, માનવતસ્કરી, ખંડણી, હિંસા-ધમકી, આર્થિક ગુનાઓ, જેવી ગેરકાયદે પ્રવૃત્તિ કરતી ઓર્ગેનાઇઝડ ગેંગને નાથવા આજીવન કેદ સહિતની જુદી જુદી સજાઓની જોગવાઇ છે અને આ જોગવાઇ હેઠળ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં કડક અને સખત પગલાં રાજ્યના પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે.

(7:07 pm IST)