ગુજરાત
News of Thursday, 4th March 2021

રાજ્યમાં પોલીસ કર્મચારીઓ માટે ૨,૦૮૪ કરોડથી વધુના ખર્ચે ૧૦,૪૩૮ રહેણાંક મકાનોનું બાંધકામ પ્રગતિમાં

ડાંગ જિલ્લામાં ૭૦૩ લાખની વધુના ખર્ચે ૩૨ રહેણાંક મકાનોનું નિર્માણ

અમદાવાદ : વિધાનસભામાં પોલીસ વિભાગ માટે રહેણાંક આવાસો અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્યમાં નાગરિકોની શાંતિ, સલામતિ માટે સતત ખડેપગે રહેતા પોલીસ જવાનો માટે ફરજના સ્થળે સુવિધાજનક રહેણાંક આવાસો મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.

  ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે ડાંગમાં ૩૫૧ પોલીસ કર્મચારીઓનું મહેકમ છે. જેની સામે ઉપલબ્ધ રહેણાંકના મકાનો ૩૧૫ છે.

   જાડેજાએ વધુમાં જણાવ્યું કે, ડાંગમાં હવે ૩૬ મકાનો ખૂટતા હોવાથી સુબીર અને સાપુતારા ખાતે બી - ટાઇપના નવા ૩૨ મકાનોનું રૂા. ૭૦૩.૦૭ લાખના ખર્ચે બાંધકામ પૂર્ણ થતા હવે સેટીસફેક્શન રેશિયો ૯૯ ટકા જેટલો થવા પામશે. ડાંગમાં બિન રહેણાંકના જુદા જુદા ૧૭ જેટલા મકાનો આવેલા છે. જે પૂરતા પ્રમાણમાં છે.

   જાડેજાએ વધુમાં જણાવ્યું કે હાલમાં રાજ્યમાં પોલીસ કર્મચારીઓ માટે રહેણાંકના મકાનોનો સેટીસફેક્શન રેશિયો ૫૧ ટકા છે. રાજ્યના પોલીસ મહેકમમાં નવી ભરતી હેઠળ સેવામાં જોડાતા કર્મચારીઓને પૂરતા પ્રમાણમાં રહેણાંકના મકાનો મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં અંદાજે રૂા. ૨૦૮૪.૬૩ કરોડના ખર્ચે વિવિધ કેટેગરીના ૧૦,૪૩૮ રહેણાંકના મકાનોનું બાંધકામ પ્રગતિ હેઠળ છે. જેનું બાંધકામ આગામી વર્ષ સુધી તબક્કાવાર પૂર્ણ થતા સેટીસફેક્શન રેશિયો વધીને ૬૧ ટકા થઇ જશે.

   જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યમાં રૂા. ૭૫૨.૭૪ કરોડના ખર્ચે ૫૫૯ જેટલા વિવિધ પ્રકારના બિન રહેણાંકના મકાનોનું બાંધકામ પ્રગતિ હેઠળ છે. ડાંગ જિલ્લામાં પોલીસ કર્મચારીઓ માટે રહેણાંકંક આવાસો અંગેના પ્રશ્નમાં શ્રી જાડેજાએ જણાવ્યું કે ડાંગ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં પોલીસ વિભાગ માટે ૩૨ જેટલા રહેણાંક મકાનોનું રૂા. ૭૦૩.૦૭ લાખના ખર્ચે બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે.

(6:54 pm IST)