ગુજરાત
News of Thursday, 4th March 2021

જીએસટી વળતર પેટે ગુજરાતને 8થી 9 હજાર કરોડનું નુકસાન થશે

કેન્દ્ર તરફથી સેસ તથા લોન સ્વરૂપે રકમ અપાતા હવે ગુજરાતને 8થી 9 હજારનું વળતર ઓછું મળશે :2020-21માં જીએસટી વળતર 25 હજાર કરોડ ઓછું મળવાનો અંદાજ હતો

ગુજરાતના વાણિજયવેરા કમિશનર જે.પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે, સને 2020-21માં જીએસટી વળતર 25 હજાર કરોડ ઓછું મળવાનો અંદાજ હતો. પરંતુ કેન્દ્ર સરકાર તરફથી કોરોનામાં સેસ પેટે ઉઘરાવેલી રકમમાંથી 6 હજાર કરોડ રાજય સરકારને આપ્યા છે. આ ઉપરાંત 9,200 કરોડની ગ્રાન્ટ લોન સ્વરુપે આપવાનો વાયદો કર્યો છે. આ રકમ પરત કરવાની નથી. લોનમાંથી કેન્દ્ર સરકારે અત્યારસુધીમાં 8,800 કરોડ રૂપિયાના 17 હપ્તા ચૂકવી દીધાં છે.

 સમગ્ર દેશમાં જુલાઇ 2016થી જીએસટીનો કાયદો લાગુ પાડવામાં આવ્યો હતો. ત્યારે કેન્દ્ર સરકાર તરફથી દરેક રાજયને 2015-16ની તુલનાએ 2016-17માં જીએસટીની આવકમાં 14 ટકા વધારો નહીં થાય તો કેન્દ્ર સરકાર તરફથી ચુકવવામાં આવશે. આ વાયદા સંદર્ભે 2020-21ના વર્ષમાં રાજય સરકારને 25 હજાર કરોડ જીએસટીનું વળતર ઓછું મળશે તેવો અંદાજ હતો. પરંતુ કેન્દ્ર સરકાર તરફથી સેસ તથા લોન સ્વરૂપે રકમ આપવામાં આવતાં હવે ગુજરાતને 8થી 9 હજારનું વળતર ઓછું મળશે. જુલાઇ-2022 સુધીમાં વળતર મળી શકે છે તેમ ગુપ્તાએ જણાવ્યું હતું.

બજેટ અંગેની પત્રકાર પરિષદમાં તેમણે વધુમા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, કોરોનાના કારણે 2020-21ના પ્રથમ કવાર્ટરમાં 40 ટકા માયનસ જીએસટીની આવક થઇ હતી. બીજા કવાર્ટરમાં માયનસ 5 ટકા આવક થઇ હતી. ત્રીજા કવાર્ટરમાં પ્લસ 5 ટકા આવક થઇ ગઇ છે. તેમાંય જાન્યુઆરી-ફ્રેબુઆરીમાં 10 ટકાનો આવકમાં વધારો થવા પામ્યો છે.

(9:12 am IST)