ગુજરાત
News of Thursday, 4th February 2021

ત્રણ ટર્મ અને 60 વર્ષથી વધુ ઉંમર : ભાજપના નવા માપદંડથી 100થી વધુ સિનિયરોની ટીકીટ કપાઈ

ખુલીને વિરોધ નહીં પણ આ નિર્ણયથી અસંતોષ જરૂર ફેલાયો

અમદાવાદ : રાજ્યની  6 મહાનગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોના નામો નક્કી કરવા માટે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સંપન્ન થઈ છે. આ બેઠકના પ્રથમ દિવસે 1લી ફેબ્રુઆરીના રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ત્રણ નિર્ણય જાહેર કરતા જ ભાજપમાં સોંપો પડી ગયો છે. આ નિર્ણયથી ભાજપના સિનિયર અનેક નેતાઓની ટિકિટ કપાઈ જશે. જો કે આ નિર્ણયની કેટલા આગેવાનોને અસર કરશે તેની જાહેરાત ભાજપ તરફથી કરાઈ નથી. પરંતુ સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ 6 મહાનગરપાલિકામાં 100થી વધુ સિનિયર નેતાઓની ટિકિટ કપાઇ હોવાની શક્યતા છે. ભાજપ શિસ્તનો આગ્રહી પક્ષ હોવાથી ખુલીને કોઈ વિરોધ કરી રહ્યું નથી. પરંતુ આ નિર્ણયથી અસંતોષ જરૂર ફેલાયો છે.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થતા જ ટિકિટ મેળવવા માંગતા નેતાઓએ ગોડફાધરને ત્યાં આંટાફેરા વધારી દીધા હતા. તો કેટલાકે પોતાના સગા-સંબંધીને ટિકિટ અપાવવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. આ બાબતે ભારે બુમરેગ મચાવી હતી. તેવા સમયે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે નવયુવાનોને તક આપવા માટે ત્રણ નિયમોની જાહેરાત કરી હતી. તે મુજબ 60 વર્ષની વય વટાવી ચૂકેલા લોકોને તથા ત્રણ ટર્મ ચૂંટણી લડેલા લોકોને ટિકિટ આપવામાં નહિ આવે. તેનાથી વિશેષ નેતાઓના સગા-સંબંધીને ટિકિટ આપવામાં નહિ આવે. આ નિર્ણયથી ભાજપમાં ભૂકંપ આવી ગયો હતો. અને અંદરોઅંદર ગણગણાટ શરૂ થઈ ગયો હતો.

પ્રદેશ અધ્યક્ષ તરીકે નવનિયુક્ત સી.આર. પાટીલે પ્રદેશ માળખામાં ધરમૂળથી ફેરફાર કરીને નવા ચહેરાઓને તક આપીને આડકતરો સંકેત આપી દીધો હતો. તેમાંય વળી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોના નામો પસંદ કરતાં પહેલાં ત્રણ નવા નિયમો જાહેર કરીને બધાને ચોંકાવી દીધા છે. પરિણામે આ નિર્ણયની અસર કેટલા લોકોને થશે તેની ચોક્કસ માહિતી તેમજ આકડો પ્રદેશ અધ્યક્ષ સહિતના ટોચના નેતાઓ સિવાય કોઈની પાસે ના હોય તેમ જણાય છે. ત્યાં સુધી કે જે 6 મહાનગરપાલિકાના શહેર ભાજપના આગેવાનો પૈકી મોટાભાગના શહેર અગ્રણી પણ તે વિગતો ઠોસપૂર્વક કહી શકતી નથી

સ્થાનિક કક્ષાએથી મળેલી વિગતો મુજબ 6 મહાનગરપાલિકાઓમાં ભાજપના નવા નિયમથી 60 વર્ષથી વધુ આયુ ધરાવનારા 45 જણાં છે. જ્યારે 61 જેટલા નેતા ટર્મ કે તેથી વધુ ટર્મ ચૂંટણી લડનારા લોકો છે. જ્યારે ત્રણ ટર્મથી વધુ ટર્મ ચૂંટણી લડેલા અને 60 વર્ષની વયે વટાવી ચૂકેલા બન્ને ક્રાઇટેરિયા ધરાવતા લગભગ બે જણાં હોવાનું સ્થાનિક કક્ષાએથી જાણવા મળ્યું છે. જ્યારે નેતાઓના સગા- સંબંધીને ટિકિટ આપવા અંગેનો કોઈ સ્પષ્ટ આકડો મળી શકે તેમ નથી. કેમ કે ઘણાં ખરા લોકોએ ખાનગીમાં પોતાના સગાને ટિકિટ અપાવવા માટે પ્રયત્નો કર્યા હતા.

મહાનગરપાલિકા: 6

60 વર્ષથી વધુ વયના (અંદાજે): 61

3 ટર્મથી ચૂંટણી લડનારા કેટલા (અંદાજે) : 45

બન્ને ક્રાઇટેરિયા ધરાવતા (અંદાજે): 05

મનપા

60 વર્ષ કે તેથી વધુ

3 ટર્મ

બંને

 

 

 

 

અમદાવાદ

23

18

0

 

 

 

 

સુરત

12

9

0

 

 

 

 

વડોદરા

12

3

0

 

 

 

 

રાજકોટ

3

6

1

 

 

 

 

ભાવનગર

3

6

1

 

 

 

 

જામનગર

0

8

3

 

(8:46 pm IST)