ગુજરાત
News of Thursday, 4th February 2021

અમદાવાદના નારોલમાં કબુતરોના મોત નિપજ્યા : બર્ડ ફલૂની આશંકા

મૃતદેહોના સેમ્પલ લઇને ભોપાલમાં પરીક્ષણ માટે મોકલાયા

અમદાવાદ, તા. ૪ :  શહેરમાં કોરોના સંક્રમણના કેસો ઘટી રહ્યા છે, ત્યારે એવામાં બર્ડ ફ્લૂની દહેશત માથુ ઉંચકી રહી છે. બર્ડ ફ્લૂ બીમારીનો પ્રકોપ છેલ્લા કેટલાક વર્ષોમાં સામાન્ય થઈ ગયો છે. દર ૩ થી ૫ વર્ષોમાં બર્ડ ફ્લૂ એટલે કે એવિયન ઈન્ફ્લૂએન્જાના કારણે મરઘી, કાગડા, કબૂતર અને બતકોના મોત થાય છે. ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂના કેસો સામે આવ્યા છે, ત્યારે અમદાવાદના નારોલમાં મોટી સંખ્યામાં કબૂતરોના મોત થવાની ઘટનાથી ફફડાટ ફેલાયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નારોલની આકૃતિ ટાઉનશિપ અને ધર્મકુંજ એપાર્ટમેન્ટમાં મોટી સંખ્યામાં કબૂતરો મૃત હાલતમાં મળી આવતા સ્થાનિકોએ પશુપાલન વિભાગને જાણ કરી હતી. જે બાદ પશુપાલન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃત કબૂતરોના સેમ્પલ લઈને ભોપાલ તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. હાલ બર્ડ ફ્લૂની આશંકાના પગલે સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ અને ફોગિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

પશુ પાલન વિભાગના જણાવ્યા પ્રમાણે, બે દિવસમાં ભોપાલથી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સિવાય ઘટના સ્થળની આસપાસ અનેક ઈન્ડસ્ટ્રી આવેલી હોવાથી ટોકિસનયુકત ચીજ ખાવાના કારણે પણ પક્ષીઓના મોત થવાની શંકા નકારી શકાય નહીં.

જણાવી દઈએ કે, ભારતમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ ૨૦૦૬માં સામે આવ્યો હતો. દેશના વિવિધ ભાગોમાં બર્ડ ફ્લૂના વધતા જતા કેસોને જોતા પશુપાલન વિભાગે પણ લોકોને જાગૃત અને સતર્ક રહેવા જણાવ્યું છે. ખાસ કરીને માર્ચ સુધી વિશેષ તકેદારી રાખવાની સલાહ આપી છે.

(1:52 pm IST)