ગુજરાત
News of Monday, 4th February 2019

ગુજરાત : ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સામે આંતરિક બળવાના સાફ સંકેતો

કોંગ્રસના આંતરિક વિખવાદને લઇ રાજકીય ગરમી : ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની જોહુકમી અને મનસ્વીપણાંને લઇ કોંગી કાર્યકરોમાં નારાજગી : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સમક્ષ રજૂઆત કરાશે

અમદાવાદ,તા. ૪ : ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચે ચાલી રહેલા શીતયુદ્ધના કારણે કોંગ્રેસના ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકરો પાર્ટીથી ભારે નારાજ છે. રાજકીય સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાત કોગ્રેસમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે ગમે તે ઘડીએ પ્રમુખ અમિત ચાવડા સામે બળવો પણ થઈ શકે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. કાર્યકરોએ રાહુલ ગાંધીને મળવાનો પણ સમય માંગ્યો હોવાની વાત પણ સામે આવી રહી છે, જેને પગલે હવે ગુજરાતના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ પણ હરકતમાં આવ્યા છે અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પાર્ટી માટે લેવાતા નિર્ણયોમાં જોહુકમી ચલાવી રહ્યા છે એવી આંતરિક ફરિયાદ છેલ્લા કેટલાક સમયથી બળવત્તર બની છે. આ ઉપરાંત બે દિવસ પહેલાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલે વિરોધપક્ષના નેતા ધાનાણી સાથે સમાધાન મિટીંગમાં પણ અમિત ચાવડાના ખાસ ગણાતા કિર્તીસિંહ ઝાલા સામે જોહુકમીનો આરોપ કર્યો છે. હોદ્દાની નિમણૂકોમાં પણ અમિતભાઈના મળતિયાઓને સ્થાન મળે છે. ગુજરાત કોંગ્રેસના ૯ ધારાસભ્યોએ ગુપ્ત મીટિંગ કરી હતી એવી ચર્ચા પણ ચાલી રહી છે. જેમાં ધારાસભ્યોએ પ્રમુખ ચાવડા સામે બળવો પોકારવાની તૈયારી દર્શાવી છે. જો કે, એક એવી પણ ચર્ચા ઉઠી છે કે, આ ૯માંથી ૮ ધારાસભ્યો જો આંતરિક વિવાદ દૂર નહીં થાય તો ભાજપના શરણે જશે. આ ટીમમાં અન્ય ધારાસભ્યો પણ જોડાવા માંગ છે. ગત સપ્તાહમાં પ્રભારી રાજીવ સાતવ ગુજરાત પ્રવાસે હતા, ત્યારે તેમની સમક્ષ કાર્યકરોએ આંતરિક અસંતોષ રજુ કર્યો હતો. આ ઉપરાંત અમદાવાદ લોકસભાની બેઠકો માટે આંતરિક ઝઘડો પણ થયો હતો જેને શાંત કરવા રાતે ત્રણ વાગ્યા સુધી બેઠક ચાલી હતી. જોકે સાતવે હૈયાધારણા આપ્યા બાદ ત્યારે અસંતોષ દૂર થયો હતો. છેલ્લા ઘણા સમયથી અમિત ચાવડાની નેતાગીરીથી કંટાળી મોટાગજના નેતાઓ કોંગ્રેસ છોડી ચૂક્યા છે. મુખ્યમંત્રી સામે ચૂંટણી લડનાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ પણ પ્રદેશ નેતાગીરીથી કંટાળીને પાર્ટી છોડી હતી. કુંવરજી બાવળિયા પણ કોંગ્રેસમાં પોતાનું યોગ્ય કદના મળતાં અને પ્રદેશ નેતાગીરી વાત ન સાંભળતા કોંગ્રેસ છોડી ભાજપમાંથી મંત્રી બન્યા. હજુ બે દિવસ પહેલાં જ ઉંઝાના ધારાસભ્ય અને કોંગ્રેસના તમામ પદોથી આશાબેન પટેલે રાજીનામું આપ્યું છે. જ્યારે પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ પણ પ્રદેશ નેતાઓથી થાકી ભાજપમાં ભળ્યા છે. આમ, કોંગ્રેસના આંતરિક વિખવાદને લઇ હાલ તો લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસનું રાજકારણ ગરમાયું છે.

(8:49 pm IST)