ગુજરાત
News of Monday, 4th February 2019

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતે અંતે વાર્ષિક ફી ૨૫૦૦થી ઘટાડી ૧૫૦૦ કરી

૫ વર્ષથી ઓછી વકીલાત કરનારા માટે ૫૦૦ રૂ. * વકીલોની મૃત્યુ સહાય ઘટાડીને ૩II લાખ કરી : ૮૫ એડવોકેટને મૃત્યુ સહાય ચૂકવવાની બાકી

રાજકોટ તા. ૪ : ગુજરાતમાં દ્વારા વકીલોને મૃત્યુ સહાય માટે રૂ.૩.૫૦ લાખ આપવાનોઙ્ગ અને વકીલની વાર્ષિક ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવ્યો છે.

પાંચ વર્ષ સુધીની વકીલાત માટે વકીલે વાર્ષિક ફી રૂ.૫૦૦ અને પાંચ વર્ષથી વધુની વકીલાત કરતા વકીલોની વાર્ષિક ફીઙ્ગ રૂ.૧,૫૦૦, કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે,અત્યાર સુધીમાં ૨૩૦૦ વકીલના પરિવારને રૂ.૩૩ કરોડથી વધુની મૃત્યુ સહાય ચુકવવામાં આવી છે.હજુ ૮૫ વકીલોને મૃત્યુ સહાય ચુકવવાના બાકી છે.

બાર કાઉન્સીલના ચેરમેન શ્રી દીપેન દવેની અધ્યક્ષતામાં યોજાયેલી મીટીંગમાં સભ્ય સર્વશ્રી અનિલ કેલ્લા, કરણસિંહ વાઘેલા સહિતના સભ્યો હાજર રહ્યા હતા.જેમાં જુદા-જુદા બાર એસો. તરફથી અને જુનીયર વકીલો તરફથી આવેલી રજૂઆતોના પગલે વાર્ષિક ફી ઘટવાનું નક્કી કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા તાજેતરમાં વકીલ મૃત્યુ સહાય ફી ચાર લાખ કરવાનો નિર્ણય કરીને વકીલની વાર્ષિક ફી રૂ.૨,૫૦૦ કરી દેવામાં આવી હતી.જેનો ચોમેરથી ભારે વિરોધ ઉભો થતા વકીલો વાર્ષિક ફી ભરતા નહોતા.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ૮૫ હજારથી વકીલો નોંધાયેલા છે જેમાંથી ૪૦ હજાર જેટલા વકીલો વકીલાત કરી રહ્યા છે.બાકીના વકીલો સનદ લઈને વેલ્ફેર સહિતની સ્કીમોનો લાભ લઈ રહ્યા છે. અત્યાર સુધી ૨૩૦૦ વકીલના પરિવારને રૂ.૩૩ કરોડથી વધુની મૃત્યુ સહાય ચુકવવામાં આવી છે. ભાજપ લીગલ સેલના કન્વીનર જે.જે.પટેલે વકીલોના હિત માટે ફી ઘટાડો કરવા માટે બાર કાઉન્સીલના ચેરમેન તથા સભ્યોને લેખિતમાં જણાવ્યુ હતુ.

આ પછી પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવતાઙ્ગ બાર કાઉન્સીલના સભ્ય સર્વશ્રી ગુલાબખાન પઠાણ, પરેશ વાઘેલા, અમદાવાદ ક્રીમીનલ કોર્ટસના પૂર્વ પ્રમુખ હીરાલાલ ગુપ્તા સહિતના અગ્રણી વકીલોએ વાર્ષિક ફીમાં ઘટાડો કરવા માટે માંગણી કરીને ઘરણા કર્યા હતા. ત્યારબાદ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા આજે મિટિંગ યોજીને વકીલોની વાર્ષિક ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

(3:36 pm IST)