ગુજરાત
News of Monday, 4th February 2019

દાંતીવાડા મુકામે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાષ્ટ્રીયકક્ષાના એગ્રી યુથ ફેસ્ટીવલનો પ્રારંભ

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૧૯ મી ઓલ ઇન્ડીયા ઇન્ટર એગ્રીકલ્ચર યુનિવર્સિટીના રાષ્ટ્રીય કક્ષાના યુથ ફેસ્ટીવલનો પ્રારંભ કરાવ્યો હતો.દેશની ૭૦ કૃષિ યુનિવર્સિટીઓના વિધાર્થીઓ માટે તા. ૩ થી ૭ ફેબ્રુઆરી દરમ્યાન દાંતીવાડા કૃષિ યુનિ. ખાતે યુથ ફેસ્ટીવલનું આયોજન કરાયું છે.

   આ પ્રસંગે દેશભરમાંથી આવેલ ૭૦ જેટલી કૃષિ યુનિવર્સિટીઓના વિધાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે કૃષિ વિશ્વ વિધાલયમાંથી મેળવેલ જ્ઞાન અને આવડતને ખેડૂતો અને ખેતરો સુધી પહોંચાડી હરિયાળા, સમૃધ્ધ, શિક્ષિત અને શક્તિશાળી રાષ્ટ્રા નિર્માણના યશભાગી બનીએ.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દેશભરની કૃષિ યુનિવર્સિટીઓના યુવા છાત્રોને કૃષિક્ષેત્રે નવા સંશોધન અને પોતાની આગવી સૂઝ તેમજ ઈનોવેશન્સથી એગ્રીકલ્ચરમાં સ્ટાર્ટ અપ કલ્ચર પ્રત્યે પ્રેરિત થવા આહવાન કર્યું છે.

તેમણે કહ્યું કે ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં હવે સમયાનુકુલ ટેકનોલોજી અને નવા ઈનોવેશન્સથી ખેતી ઉત્પાદન વધારવા અને આત્મનિર્ભરતાનો સમય છે. કૃષિ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ આમાં લીડ લઇને સ્ટાર્ટ અપ થકી વિકાસ અને વ્યવસાય બેય અવસર પ્રાપ્ત કરી શકે તેવો મત તેમણે વ્યક્ત કર્યો હતો.

  તેમણે કહ્યું કે કૃષિ ટેકનોલોજી ક્રોપ ગાઇડન્સ, ટેકનીકલ અપગ્રેડેશન, ફૂડ પ્રોસેસિંગ, બ્રાન્ડિંગ, રિટેલ બિઝનેસ, ઓર્ગેનિક ફાર્મિંગ જેવા કૃષિ આધારિત ક્ષેત્રોમાં સ્ટાર્ટ અપનો ઘણો અવકાશ છે.

(10:03 pm IST)