ગુજરાત
News of Saturday, 4th January 2020

અભ્યાસ ન કરતા હોય એવા બાળકો માટે સર્વે હાથ ધરાશે

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળાઓમાં પ્રવેશ અપાશે : મ્યુનિસિપલ શિક્ષકોને સર્વેની કામગીરી સોંપાઇ : શહેરના વિવિધ વિસ્તારમાં ફરી બાળકોનો વિસ્તારપૂર્વક સર્વે થશે

અમદાવાદ,તા. ૪ : દરેક બાળક શિક્ષણ મેળવી શકે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોના શિક્ષકો બાળકોના સર્વે અને નામાંકનની કામગીરી હાથ ધરવાની તજવીજ શરૂ કરાઇ છે. આગામી તા.૩૧ માર્ચ સુધીમાં તમામ મ્યુનિસિપલ સ્કૂલની આસપાસમાં આવેલા સ્લમ એરિયા સહિતના વિસ્તારોમાં શિક્ષકો ફરીને વિગતવાર સર્વે કરશે અને જે બાળકો અભ્યાસ ના કરી રહ્યા હોય અથવા તો સ્કૂલ છોડી દીધી હોય તેવા બાળકોનું કાઉન્સેલીંગ કરી તેઓને મ્યુનિસિપિલ સ્કૂલ બોર્ડની શાળામાં પ્રવેશની કામગીરી હાથ ધરશે. સ્કૂલ બોર્ડના સત્તાધીશોના મતે, દરેક બાળક શિક્ષણ મેળવી શકે તે હેતુથી સ્કૂલ બોર્ડ દ્વારા જે બાળકો અભ્યાસ નથી કરતા તેમ જ જે બાળકો અભ્યાસને યોગ્ય છે તેઓને શિક્ષણ પૂરું પાડવાના ઉમદા આશયથી તેવા બાળકોનો સર્વે કરવામાં આવશે.

           રાજ્યમાં ખાનગી સ્કૂલોનું ભણતર દિન પ્રતિદિન મોંઘું થઈ રહ્યું છે. વાલીઓને બાળકોના શિક્ષણ પાછળ ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. જેથી સામાન્ય અને ગરીબ ઘરના બાળકો સારું શિક્ષણ મેળવી શકતા નથી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં અભ્યાસ કરતા હોય એવા તમામ બાળકોને ધો-૧માં પ્રવેશ યોગ્ય હોય તેમજ જે બાળકોએ કોઈ કારણસર અભ્યાસ છોડી દીધો હોય તેવા બાળકો ફરી શિક્ષણ મેળવે તે માટે તેઓની માહિતી એકઠી કરવામાં આવી રહી છે તેમજ તેમના એડમીશન માટે દરેક મ્યુનિસિપલ શાળાના શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે. સવારપાળીના શિક્ષકોએ બપોરે સ્કૂલ પુરી થયા બાદ અને બપોરપાળીના શિક્ષકોએ સ્કૂલ શરૂ થયાના એક કલાક પહેલાં સ્લમ વિસ્તાર તેમજ અન્ય જગ્યાએ જઈ આવા બાળકોનો સર્વે કરવાનો રહેશે. તા.૩૧-૫-૨૦૨૦ સુધીમાં જે બાળકોના પાંચ વર્ષ પૂર્ણ થયા હોય તેવા બાળકોનો સર્વે કરવાનો રહેશે. જો કોઈ બાળકો ભણતા હોય તો સ્કૂલમાં એડમીશન થઈ ગયું છે તેવું ફોર્મ ભરવાનું રહેશે. સર્વે અને નામાંકન કરાયેલા બાળકોનું નવીન પ્રવેશ સર્વે રજિસ્ટર બનાવવાની સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે, કાંકરિયા મ્યુનિસિપલ શાળા નં-૫ અને ૬ને રૂ.૧ કરોડ ૬૦ લાખના ખર્ચે ગુજરાતની પ્રથમ સ્માર્ટ સ્કૂલ બની છે. આ સ્કૂલમાં વિકસિત દેશો જેવી માળખાકીય સુવિધાઓ ઉભી કરવા ઉપરાંત અત્યાધુનિક ટેકનોલોજીથી શિક્ષણ આપવામાં આવશે. જેમાં જોયફુલ લર્નીંગ ક્લાસ, સ્માર્ટ ક્લબ, મેથ્સ-સાયન્સ લેબ, ડિઝિટલ પ્લોનિટોરિયમ, ફ્યુચર ક્લાસરૂમ અને મલ્ટી પ્લે સ્ટેશન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સ્કૂલમાં ફાયર બોલ મુખ્ય આકર્ષણ છે. આગ લાગવાના કિસ્સામાં ફક્ત ત્રણ સેકન્ડમાં જ આ બોલ ફૂટશે અને આગ ઓલવાઇ જશે તેવો દાવો કરવામાં આવ્યો છે. નાના બાળકો માટે શાળામાં ૩૬ પ્રકારના સાધનો વસાવાયા છે. ડિઝિટલ ટીચીંગ ડિવાઇસથી મલ્ટી મીડિયા કન્ટેન્ટ દ્વારા બાળકોને શિક્ષણ અપાશે.

 

(9:49 pm IST)