ગુજરાત
News of Saturday, 4th January 2020

એસિડ હુમલા માટેની ચેતવણી આપનારને અંતે પકડી લેવાયો

ટ્યુશન ક્લાસીસમાં જતી વેળા પજવણી કરતો હતો : માતાની ફરિયાદ બાદ પોલીસે યુવકને આખરે ઝડપી લીધો

અમદાવાદ, તા. : રાજ્યમાં યુવતીઓ, મહિલાઓ પર બળાત્કાર અને છેડતીના કિસ્સા દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં રહેતી સગીરાને ઉઠાવી હૈદરાબાદમાં ડોકટર યુવતી સાથે થયું તેવું તારી સાથે કરી એસિડ છાંટવાની ધમકી પણ આપી હતી. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સોલા પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ ગણતરીના કલાકોમાં આરોપી ગુલાબસિંહ વાઘેલાની ધરપકડ કરી લીધી હતી. અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સગીરા ગોતા હાઉસિંગમાં પરિવાર સાથે રહે છે. સગીરા વંદે માતરમ ચાર રસ્તા પાસે ટ્યુશન ક્લાસીસમાં જાય છે. છેલ્લા ૧૫ દિવસથી ગુલાબસિંહ વાઘેલા નામનો યુવક સગીરાનો પીછો કરી હેરાન પરેશાન કરતો હતો,

             તેમજ ફોન કરી પજવણી કરી વાત કરવા માટે દબાણ કરતો હતો. ગુલાબસિંહે સગીરાને એવી ધમકી આપી હતી કે થોડા દિવસ પહેલા હૈદરાબાદમાં જેવી ઘટના બની હતી તેવું તારી સાથે કરી એસિડ છાંટવાની ધમકી આપી હતી. જેથી સગીરા ડરી ગઈ હતી. સગીરા ટ્યુશનમાં ગઈ હતી ત્યારે તેને એક શીશી જેવું બતાવી તેને સૂંઘાડી દેવાની ધમકી પણ આપી હતી. જેને લઈ સોલા પોલીસ સ્ટેશનમાં સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુલાબસિંહ વાઘેલા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(9:01 am IST)