ગુજરાત
News of Thursday, 4th January 2018

કોંગ્રેસના નેતાના નામની બે દિવસમાં જાહેરાત થઇ શકે

પરેશ ધાનાણી પર પસંદગીનો કળશ ઢોળાઇ શકેઃ કોંગ્રેસના રાષ્ટ્રીય નિરીક્ષકોએ ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓની સાથે બેઠકો યોજી વિગતવાર રિપોર્ટ રજૂ કર્યો

અમદાવાદ,તા.૪, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસપક્ષના નેતા(વિરોધ પક્ષના નેતા) તરીકે  યોગ્ય ઉમેદવારની પસંદગીને લઇ છેલ્લા કેટલાક દિવસોથી બહુ મહત્વની કવાયત ચાલી છે અને છેલ્લા બે દિવસથી કોંગ્રેસમાં મેરેથોન બેઠકોનો દોર ચાલ્યો હતો. જેમાં રાષ્ટ્રીય નીરીક્ષકો જીતેન્દ્રસિંહ અને પ્રભારી અશોક ગેહલોત સહિતના નેતાઓ ખાસ હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય નીરીક્ષકોએ ચૂંટાયેલા ધારાસભ્યો અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓની વાત અને રજૂઆત સાંભળ્યા હતા અને હવે તેઓ કોંગ્રેસ હાઇકમાન્ડને સમગ્ર રિપોર્ટ રજૂ કરશે, જેના આધારે હાઇકમાન્ડ એટલે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જ કોંગ્રેસપક્ષના નેતા(વિપક્ષના નેતા)નું નામ નક્કી કરશે. બે દિવસમાં કોંગ્રેસ પક્ષના નેતાનું નામ જાહેર કરી દેવાય તેવી શકયતા છે. જેમાં અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણીનું નામ રેસમાં સૌથી આગળ અને લગભગ નક્કી જેવું જ છે. તેથી તેમની પર પસંદગીનો કળશ ઢોળાવાની શકયતા છે. ઉલ્લેખનીય છે કે, વિરોધપક્ષના નેતાની આ રેસમાં કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, વિક્રમ માડમ અને મોહનસિંહ રાઠવા પણ મેદાનમાં ઉતરી આવતાં પક્ષના રાષ્ટ્રીય નીરીક્ષકોએ તેમને ઠપકો આપી વિવાદ ખાળવાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા બે દિવસથી કોંગ્રેસના રાષ્ટ્રીય નીરીક્ષકોએ ચૂંટાયેલા ધારાસભ્યો અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સાથે બેઠકો યોજી મહત્વની ચર્ચા વિચારણ કરી હતી અને સર્વાનુમતે વિપક્ષના નેતાની પસંદગીની બાબત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પર છોડવા બાબતે ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.  બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને લઇને પણ કેટલાક મુદ્દાઓ ચર્ચાયા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. ૫૪માંથી ૩૦ બેઠકો મેળવી કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં ભાજપને જોરદાર પછડાટ આપી હતી. આમ, હવે કોંગ્રેસમાં પણ વિપક્ષના નેતાના પદ માટેની આંતરિક લડાઇ જોર પકડી રહી હોવાનો સમગ્ર મામલો કોંગ્રેસના હાઇકમાન્ડ સુધી પણ પહોંચ્યો છે પરંતુ આ વખતે ભૌગોલિક સંતુલન માટે પણ વિપક્ષી નેતાનું પદ સૌરાષ્ટ્રને એટલે કે, ધાનાણીને ફાળવાય તેવી પ્રબળ શકયતા છે. બીજીબાજુ હાર્દિક પટેલે પણ પરેશ ધાનાણીને કોંગ્રેસ પક્ષના નેતા બનાવાય તેવી લાગણી વ્યકત કરી છે. તો પ્રભારી અશોક ગેહલાતે જણાવ્યું હતું કે, કોઇની ધમકીને વશ નહી થવાય. વ્યકિતની કાબેલિયત અને તેની કામગીરીને ધ્યાનમાં લઇને જ પસંદગીનો નિર્ણય કરાશે.

(9:57 pm IST)