ગુજરાત
News of Thursday, 4th January 2018

ફી નિયમનના ચુકાદાને સુપ્રિમમાં પડકારતા શાળા સંચાલકો

રાજય સરકારે બનાવેલા ફી નિર્ધારણને ગુજરાત હાઈકોર્ટે યોગ્ય ઠેરવ્યા બાદ : સૌરાષ્ટ્ર ઝોનની ૩૫૦ સહિત રાજયની ૧૫૦૦ શાળાઓ જોડાઈ * સ્ટે માંગ્યો * શાળા સંચાલક મહામંડળ ગુજરાત દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા. ૪ : ગુજરાત સરકારે ખાનગી શાળાઓમાં ફીના નામે થતી મોટી રકમની વસૂલાત સામે ફી નિયમન કાયદો બનાવ્યો હતો. વિધાનસભામાં મંજૂર થયા બાદ આ ખરડાને રાજયપાલે મંજૂર કર્યો હતો. આ ફી નિર્ધારણ કાયદાથી તમામ વર્ગના ગરીબ બાળકોને સારૂ શિક્ષણ મળે તેવી આશા વાલીમાં જાગી હતી. ફી નિર્ધારણ  કમીટી બનાવી સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી.

તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે ફી નિયમન કાયદાને યોગ્ય ઠેરવી રાજય સરકાર અને વાલીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આજે આ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં ખાનગી સંચાલકોએ પડકાર્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ ગુજરાત હાઈકોર્ટે ખાનગી શાળા સંચાલકોને નિયત ફી જ ઉઘરાવવા અને ફી નિર્ધારણ કમીટીએ  નક્કી કરેલ ફી લેવા જણાવ્યુ હતું. સરકાર પણ ફીના નિયમનનો અમલ કરાવવા મક્કમ બની છે ત્યારે ખાનગી શાળાના સંચાલકો પણ આટલી નજીવી રકમમાં આખુ વર્ષ શિક્ષણકાર્ય થઈ શકે તેમ ન હોય માટે દાદ માંગવા સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરેલ છે.

શાળા સંચાલકોએ ગુજરાતના ચારેય ઝોનમાં બેઠક બોલાવી અને મહામંડળ અને ફેડરેશનના માધ્યમથી સુપ્રિમ કોર્ટમાં સ્ટેની માંગણી કરવામાં આવી છે. તેની સુનાવણી આવતા અઠવાડીયામાં થવાની શકયતા છે.

દરમિયાન ખાનગી શાળાઓમાં ઓછી ફીમાં ગુણવત્તાયુકત શિક્ષણ શકય બનશે? તે અંગે પણ શાળા સંચાલકો ચિંતન કરી રહ્યા છે. ખાનગી શાળાઓમાં શિક્ષકોના પગાર અન્ય સુવિધા, બિલ્ડીંગ તેમજ અન્ય ખર્ચ હાલની ૧૫ હજાર, ૨૫ હજાર, ૨૭ હજારના ખર્ચમાં પરવડે તેમ ન હોય જેથી યોગ્ય ન્યાય માટે આગળની કાર્યવાહી કરવા વિચારણા હાથ ધરવામાં આવી છે.

(3:57 pm IST)