ગુજરાત
News of Thursday, 4th January 2018

ગુજરાત રિફાઇનરીમાં ચાલુ નોકરીએ વધુ એક કર્મચારીનું મોત નિપજતા દોડધામ

વડોદરા:શહેરના સીમાડે આવેલી ગુજરાત રિફાઈનરિમાં કોન્ટ્રાક્ટ પરના વધુ એક કર્મચારીનુ આજે ફરજ દરમિયાન મોત થતા દોડધાામ મચી ગઈ હતી. મળતી વિગતો પ્રમાણે રિફાઈનરિના એનએસક્યુ પ્લાન્ટમાં ફરજ બજાવતા અને શેરખી ગામમાં રહેતા મહેન્દ્ર પઢિયાર(ઉં.વ.૩૦)ને સાંજે અચાનક ગૂંગળામણ થવા માંડી હતી અને છાતીમાં દુખાવો ઉપડયો હતો. તેમની આ સ્થિતિ જોઈને પ્લાન્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં દોડધામ થઈ ગઈ હતી.મહેન્દ્રભાઈને તાત્કાલીક સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા.જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.ત્યાંથી તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી અપાયો હતો. મહેન્દ્ર પઢિયારની સાથે ફરજ બજાવતા કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે પ્લાન્ટમાં ગેસ ગળતરના કારણે મહેન્દ્રભાઈને ગૂંગળામણ થઈ હતી અને તેના કારણે તેમનુ મોત નીપજ્યુ છે.જેના પર સત્તાધીશો ઢાંકપીછોડો કરી રહ્યા છે. બીજી તરફ પોલીસનુ કહેવુ હતુ કે ડોક્ટરોના પ્રાથમિક અનુમાન પ્રમાણે હાર્ટ એટેકથી મોત થયુ હોઈ શકે છે પણ વધુ તપાસ માટે વીસેરા લેવામાં આવ્યા છે અને તેના રિપોર્ટના આધારે જ સાચા કારણની જાણકારી મળી શકશે. ઉલ્લેખનીય છે કે બે મહિનામાં રિફાઈનરિમાં કોન્ટ્રાક્ટ પરના કર્મચારીના મોતની આ બીજી ઘટના છે.આ પહેલા સમારકામ માટે ઉભા કરાયેલા સ્ટ્રક્ચરમાંથી એક પાઈપ છુટી પડીને માથામાં પડતા એક સુપરવાઈઝરનુ મોત નીપજ્યુ હતુ અને સેંકડો કર્મચારીઓ વીજળીક હડતાળ પર પણ ઉતર્યા હતા.

 

 

(3:54 pm IST)