ગુજરાત
News of Thursday, 4th January 2018

હમીરગઢ પાટિયા પાસે પોલીસે બાતમીના આધારે 17.36 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

હિંમતનગર: હિંમતનગર-શામળાજી રોડ પર આવેલા હમીરગઢ પાટીયા પાસેથી ગાંભોઈ પોલીસે બાતમીને આધારે અંદાજે રૂ.૧૭.૩૬ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે વાહનને પકડી લઈ ચાર જણા વિરૂધ્ધ એલસીબીએ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી હતી. આ અંગે એલસીબી તથા ગાંભોઈ પોલીસના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બુધવારે વહેલી સવારે રાજસ્થાન તરફથી એક વાહનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો અમદાવાદ તરફ લઈ જવાઈ રહયો છે. જે આધારે ગાંભોઈ પોલીસે હમીરગઢ પાટીયા પાસેથી પસાર વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. દરમ્યાન ટ્રક શંકાસ્પદ જણાતા તેને ઉભી રખાવી ટ્રકમાં ચેકીંગ કરવામાં આવતા તેમાંથી પાસ પરમીટ વિનાની અંદાજે રૂ.૧૭,૩૬,૬૦૦ ની કિંમતની ૩૯૧ પેટી તથા અન્ય છુટી ૧૪૦ બોટલ મળી ૧૧૦૬૦ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જે અંગે ટ્રકમાં જઈ રહેલા ગેબીલાલ દોલાજી ડાંગી, પ્રકાશ ગમેરાજી ગાંગી, ચીરાગભાઈ પંચોલી અને સુનીલ મોતીલાલ દરજીની પુછપરછ કરવામાં આવતા તેમણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી એલસીબીએ રૂ.૧૭.૩૬ લાખનો વિદેશી દારૂ તથા રૂ.૫ લાખની ટ્રક મળી અંદાજે રૂ.૨૨.૩૭ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જોકે પોલીસને જોઈને પ્રકાશ ગાંગી, ચીરાગ પંચોલી અને સુનીલ દરજી નજર ચુકવીને ભાગી ગયા હતા. ત્યારબાદ એલસીબીના પીઆઈ એમવી પટેલે તરતજ ચારેય જણા વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

(3:53 pm IST)