ગુજરાત
News of Thursday, 4th January 2018

આવતા વર્ષે લેખાનુંદાન હશે, આ વર્ષનું બજેટ ચૂંટણીલક્ષી

નવી રૂપાણી સરકારનું પ્રથમ બજેટઃ ગ્રામીણલક્ષી ઝોકઃ ઢગલાબંધ આકર્ષક યોજનાઓ જાહેર કરવાના પ્રયાસઃ ગુજરાત વિધાનસભા ભવનમાં નવીનીકરણનું કામ ચાલુ હોવાથી આ વખતનું બજેટ સત્ર અઠવાડયુ મોડુ શરૂ થવાની શકયતા

રાજકોટ તા. ૪ :.. ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર આવતા મહિને આવી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં સાદી બહુમતી મેળવીને બીજી વખત સત્તારૂઢ થયેલી રૂપાણી સરકારનું પ્રથમ બજેટ હશે. નાણા ખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ બજેટ રજુ કરશે. લોકસભાની ચૂંટણી નિર્ધારિત સમય મુજબ થાય તો આવતા એપ્રિલ ર૦૧૯ માં મતદાન થશે. તેની આચારસંહિતા બે-ત્રણ મહિના અગાઉથી લાગુ પડતી હોવાથી આવતા વર્ષે કેન્દ્ર અને રાજયમાં પૂર્ણ બજેટના  બદલે વોટ ઓન એકાઉન્ટ (લેખાનું દાન-૪ માસનું બજેટ)  આવે તેવી પ્રબળ શકયતા છે તેથી ગુજરાતમાં આ વર્ષનું બજેટ જ ચૂંટણીલક્ષી બની રહે તેવા નિર્દેષ છે.

નવી સરકારની છાપ સારી પાડવા તેમજ લોકસભાની ચૂંટણી પૂર્વના મહિનાઓમાં નવી યોજનાઓ લાવી અને રાહતો આપી લોકોને રાજી કરવા રાજય સરકાર પ્રયાસ કરશે. લેખાનુંદાન ટુંકા ગાળા માટે હોવાથી પૂરા વર્ષની નવી યોજનાઓને અવકારા હોતો નથી તેથી રાજય સરકારે ચાલુ વર્ષમાં જ પ્રજાને આકર્ષતી મોટી યોજનાઓ રજૂ કરવાના પ્રયાસો આદર્યા છે.

વિધાનસભાની ચૂંટણીના પરિણામના આધારે ભાજપ સરકાર બજેટને ખેડૂતો અને યુવાનો માટે વિશેષ લાભદાયી બનાવવા માંગે છે. બજેટમાં ગ્રામ્યલક્ષી એક રાખવામાં આવશે. સરકાર ખૂબ આર્થિક ખેંચમાં છે છતાં સંસદની ચૂંટણીને ધ્યાને લેતા મોટા કરવેરાની સંભાવના જણાતી નથી.

હાલ  ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ભવનનું રીનોવેશન ચાલી રહ્યુ છે. તેથી બજેટ સત્ર દર વર્ષના સમયપત્રક મુજબ ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડીયામાં શરૂ  થવાના બદલે છેલ્લા અઠવાડીયમાં અથવા તેની  નજીકના દિવસોમાં શરૂ થાય તેવી શકયતા છે. જગ્યાના કારણસર અને રાજકીય કારણસર સત્ર મોડુ શરૂ થશે તો સત્રના દિવસો ટૂંકાવાશે. ૩૧ માર્ચ સુધીમાં બજેટ મંજૂર થઇ જવું જરૂરી છે.

(11:41 am IST)