ગુજરાત
News of Wednesday, 3rd January 2018

પુત્રીની ફી ભરવા પહોંચેલા પિતાએ ૮૦ હજાર ગુમાવ્યા

બાઇક પર આવેલા શખ્સો પાકીટ ઝુંટવી ફરારઃ વૃધ્ધ પિતાએ ફીના પૈસા લૂંટાઇ જતાં ભારે નિસાસા નાંખ્યા પોલીસે સીસીટીવી ફુટેજના આધાર પર તપાસ શરૂ કરી

અમદાવાદ,તા.૩, શહેરના હાંસોલ વિસ્તારમાં રહેતા એક વૃધ્ધ પિતા તેમની પુત્રીની કોલેજની ફી ભરવા રૂ.૮૦ હજાર ભરેલું પાકીટ લઇને જઇ રહ્યા હતા ત્યારે ઇન્કમટેક્સ વિસ્તારમાં સી.યુ. શાહ કોલેજ પાસે સહકાર ખાદી ભંડાર પાસે બે અજાણ્યા શખ્સો આ વૃધ્ધ પિતાના હાથમાંથી રૂ.૮૦ હજાર ભરેલું પાકીટ લૂંટી નાસી છૂટયા હતા. સ્થાનિક પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓની શોધખોળ આરંભી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના હાંસોલ વિસ્તારમાં આવેલ રાજરત્ન રેસીડેન્સીમાં રહેતા ગોવિંદભાઇ તુલસીભાઇ ખનેજા નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે અને તેમના પરિવાર સાથે રહે છે. ગઇકાલે બપોરે તેઓ તેમની પુત્રીની કોલેજની ફી ભરવા બેંકમાંથી રૂ.૮૦ હજાર ઉપાડયા હતા અને તેમની પુત્રી સાથે ઇન્કમટેક્સ વિસ્તારમાં આવેલ સી.યુ.શાહ કોલેજ નજીક વાહન પાર્ક કરી રૂ.૮૦ હજાર ભરેલુ પાકીટ લઇ સહકાર ખાદી ભંડાર પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક બે અજાણ્યા શખ્સો હેલ્મેટ પહેરીને બાઇક પર તેમની પાસે આવ્યા હતા અને તેઓ કંઇ સમજે તે પહેલાં જ ગોવિંદભાઇના હાથમાંથી રૂ.૮૦ હજાર ભરેલુ પાકીટ લૂંટી ફરાર થઇ ગયા હતા. વૃધ્ધ પિતાએ બૂમો પાડી પરંતુ ત્યાં સુધીમાં તો લૂંટારા શખ્સો ફરાર થઇ ગયા હતા. પોતાની પુત્રીની કોલેજની ફી લૂંટાઇ જતાં વૃધ્ધ પિતાએ ભારે નિસાસો નાંખ્યો હતો પરંતુ લૂંટારાઓની કોઇ ભાળ મળી ન હતી. દરમ્યાન વાડજ પોલીસે આ સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળના અને આસપાસના સીસીટીવી ફુટેજના આધારે લૂંટારા શખ્સોની શોધખોળ આરંભી હતી.

(9:39 pm IST)