ગુજરાત
News of Wednesday, 3rd January 2018

૧ કરોડના ખર્ચે પગથિયાનું નવીનીકરણ ટૂંકમાં શરૃ થશે

કાંકરિયા લેકફ્રન્ટ ખાતે હવે નવીનીકરણ :માણેકબૂરજનું રૃપિયા ૨૨ લાખના ખર્ચે નવીનીકરણ થશે

અમદાવાદ, તા.૩ :યુનેસ્કો દ્વારા વર્ષ-૨૦૧૭માં અમદાવાદ શહેરને વૈશ્વિક હેરિટેજ શહેરનો દરજ્જો આપવામા આવ્યા બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા હેરિટેજ સ્થળોના નવીનીકરણની પ્રક્રીયા શરૃ કરવામાં આવી છે જેમાં કાંકરિયા કાર્નિવલની પૂર્ણાહૂતિ થતાની સાથે હવે લેકફ્રન્ટ વિસ્તારના પગથિયાના નવીનીકરણ માટે રૃપિયા એક કરોડના ટેન્ડરને તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવી છે.આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદના દક્ષિણઝોનમાં આવેલા ઐતિહાસિક કાંકરિયા તળાવની ફરતે અટલ રેલવે વર્કશોપથી બટરફલાયપાર્ક સુધીના સમગ્ર વિસ્તારમાં આવેલા તળાવની પાસેના પગથિયાના નવીનીકરણ અને રંગરોગાન માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ વિભાગ તરફથી રૃપિયા એક કરોડનુ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે આ ઉપરાંત શહેરના એલિસબ્રિજના છેડા ઉપર આવેલા ઐતિહાસિક એવા માણેકબૂરજના આધુનિકરણ માટે પણ તંત્ર દ્વારા રૃપિયા ૨૨.૦૧ લાખનો ખર્ચ કરવામા આવશે.અમદાવાદ શહેરના વિવિધ દરવાજાઓ પૈકી ખાનજહાન દરવાજા એટલે કે ખાનપુર દરવાજાનુ રિસ્ટોરેશન હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ વિભાગ દ્વારા કરવામા આવી રહ્યુ છે જે તેના અંતિમ તબકકામા છે.આ ઉપરાંત ખાનપુર પાસે બરફીવાલા ભવનની પાસેની કોટની દિવાલનુ પણ સમારકામ હાથ ધરવામા આવશે.

(8:25 pm IST)