ગુજરાત
News of Wednesday, 3rd January 2018

ગાંધીનગરના કુડાસણમાં બંધ મકાનમાંથી 94 હજારના દાગીના ચોરી તસ્કરો છૂમંતર

ગાંધીનગર: શહેર નજીક આવેલા કુડાસણમાં બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને તેમાંથી ૯૪ હજાર રૃપિયાના દાગીના ચોરી લીધા હતા. આ ઘટના અંગે ઈન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતાં પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

શિયાળો આવતાંની સાથે જ શહેરમાં તસ્કરરાજ શરૃ થઈ જાય છે. એક પછી એક બંધ મકાનોના તાળાં તુટવાનું શરૃ થઈ જાય છે. દર વર્ષે પોલીસ દ્વારા એકશન પ્લાન બનાવીને તસ્કરોને પકડવા માટે આયોજન હાથ ધરાય છે પરંતુ તસ્કરો તો હાથ આવતાં નથી પરંતુ ઘરફોડ ચોરીઓ અટકવાનું નામ લેતી નથી. શહેર અને આસપાસમાં ગ્રામ્ય વિસ્તાર રીતસર તસ્કરોના હવાલે થઈ જાય છે.

ગયા વર્ષે પણ ન્યુ ગાંધીનગરમાં સંખ્યાબંધ ઘરફોડ ચોરીના બનાવો બન્યા હતા. જેનો ભેદ પણ હજુ સુધી ઉકેલાયો નથી ત્યારે આ વર્ષે પણ ઘરફોડ ચોરીઓ યથાવત્ રહેવા પામી છે. શહેર નજીક કુડાસણમાં આવેલી શુભ કેન્ડીડ વસાહતમાં રહેતા અને ટીસીએસમાં નોકરી કરતાં ધૃ્રવ શિવકુમાર થરેજા ગત શનિવારની સાંજે તેમનું મકાન બંધ કરીને બહારગામ ગયા હતા.

તે દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તેમજ આ મકાનનું તાળું તોડી તેમાંથી ૯૪ હજાર રૃપિયાના દાગીનાની ચોરી કરી લીધી હતી. ત્યારબાદ બીજા દિવસે સવારે ધ્રૃવભાઈ ઘરે પહોંચ્યા ત્યારે ચોરીનો અંદાજ આવી ગયો હતો. જેથી આ સંદર્ભે ઈન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ચોરીનો ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા દોડધામ શરૃ કરી હતી.

(4:29 pm IST)