ગુજરાત
News of Wednesday, 3rd January 2018

પીવાના પાણીના બહાને કાપોદ્રા નજીકના કારખાનામાં ઘુસી તસ્કરોએ 6.67 લાખની મતાનો હાથફેરો કર્યો

સુરત: કાપોદ્રા પોલીસ સ્ટેશનની તદ્દન નજીક આવેલી શ્રીકૃપા ઈન્ડસ્ટ્રીયલ સ્થિત એમ્બ્રોઈડરીના કારખાનામાં ગત મોડી રાત્રે પાણી પીવાના બહાને ઘૂસેલા ૭ બુકાનીધારીધાડપાડુઓએ કારખાનામાં હાજર એકમાત્ર કારીગરને માર મારી બંધક બનાવી એમ્બ્રોઈડરી મશીનનાં સ્પેરપાર્ટ્સ, સીસીટીવી કેમેરો, ડી.વી.આર વિગેરે મળી કુલ રૃ. ૬.૬૭ લાખની મત્તાની લૂંટ કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉત્રાણ અમરોલી મનીષા ગરનાળા પાસે રાધે રેસીડન્સી ફલેટ નં. બી/૧૦૦૨ માં રહેતા ૫૨ વર્ષિય બાબુભાઈ કાળુભાઈ લીંબાણી (લેઉવા પટેલ) કાપોદ્રા પોલીસ સ્ટેશનની તદ્દન નજીક આવેલી શ્રીકૃપા ઈન્ડસ્ટ્રીયલના ખાતા નં. ૧૦ માં એમ્બ્રોઈડરીનું કારખાનું ધરાવે છે. ગતરાત્રે ૧૧-૩૦ કલાકે તેમના કારખાનામાં કારીગર ચંદ્રપાલ રામદુલારે પાલ એકલો હાજર હતો ત્યારે એક અજાણ્યાએ દરવાજો ખટખટાવ્યો હતો. ચંદ્રપાલે દરવાજો ખોલતાં તે અજાણ્યાએ ખાતામાં આવી કલમ કારીગર ઉપર હૈ ? તેમ પૂછી પાણી માંગ્યું હતું. ચંદ્રપાલે કલમ નથી તેમ કહી તેને પાણી પીવડાવ્યું હતું. અજાણ્યો પાણી પીને બહાર જતો હતો તેથી ચંદ્રપાલ દરવાજો બંધ કરવા ગયો હતો પરંતુ અજાણ્યાએ તેને મુક્કો મારી અંદર ધકેલ્યો હતો અને તે સમયે જ બીજા છ બુકાનીધારી અંદર ઘૂસી આવ્યા હતા. ચંદ્રપાલે મદદ માટે બૂમા પાડતાં તમામે બૂમો પાડશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી તેના હાથ-પગ કપડાંની ચીંદી વડે બાંધી દીધા હતા અને ત્યારબાદ એમ્બ્રોઈડરી મશીનના પાર્ટ્સ કાઢવા માંડયા હતા. તમામ લગભગ એક કલાક બાદ કોમ્પ્યુટર, મધરબોર્ડ, અન્ય પાર્ટસ, સીસીટીવી કેમેરો અને ડી.વી.આર મળી કુલ રૃ. ૬.૬૭ લાખની મત્તા લૂંટી ભાગી છૂટયા હતા.
 

(4:27 pm IST)