ગુજરાત
News of Wednesday, 3rd January 2018

વડોદરાના સમા વિસ્તારમાં મકાનમાં ધમધમતા કુટણખાના પર પોલીસના દરોડા: સંચાલક મહિલા સહીત બેની ધરપકડ

વડોદરા:શહેરના સમા વિસ્તારના એક મકાનમાં ચાલતા કૂટણખાનાં પર ફતેગંજ પોલીસે દરોડો પાડી દેહવ્યપાર કરતી બે યુવતી તેમજ કૂટણખાનાની સંચાલક મહિલા અને એક ગ્રાહક યુવકને ઝડપી પાડયા હતા. પોલીસે આ પૈકીના કૂટણખાનાની સંચાલક મહિલા અને યુવકની ધરપકડ કરી હતી.

શહેરના ન્યૂ સમા રોડ પર આવેલી અંબિકાવિજય સોસાયટીના એક મકાનમાં કૂટણખાનું ચાલતું હોવાની એક નાગરિકે પોલીસ કન્ટ્રોલ રૃમમાં માહિતી આપી હતી.

આ માાહિતીના પગલે ફતેગંજ પોલીસના સ્ટાફે ગત બપોરે અંબિકાવિજય સોસાયટીમાં રહેતી શીલા એન્થોની આલ્મેડાના મકાનમાં દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન મકાનના આગળના રૃમમાં મનીષ ગોકુલચંદ્ર અગ્રવાલ (ડિફેન્સ કોલોની,ન્યૂ સમારોડ) સાથે દેહવેપાર માટે બોલાવેલી એક યુવતી કઢંગી હાલતમાં ઝડપાયા હતા.

પોલીસે મકાનના અન્ય રૃમમાં તપાસ કરતાં ત્યાંથી કૂટણખાનાની સંચાલક અને મકાનમાલિક શીલા આલ્મેડા  સાથે વધુ એક યુવતી મળી હતી. તેઓની  પુછપરછમાં શીલા સાથે બેઠેલી યુવતી પણ યુવતી દેહવેપાર કરવા માટે આવી હોવાનું જણાવ્યું હતું.

પોલીસે દેહવેપાર માટે બોલાવેલી  બંને યુવતીઓને મુક્ત કરાવી હતી અને પોતાના મકાનમાં કૂટણખાનું ચલાવતી શીલા અને ગ્રાહક મનીષની ધરપકડ કરી તેઓની પાસેથી રોકડ,મોબાઈલ ફોન અને બાઈક જપ્ત કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં શીલાએ જણાવ્યું હતું કે પતિના મરણ થયું છે અને મકાન પતિના નામે છે. તે બહારથી દેહવેપાર કરતી યુવતીઓ તેમજ જુદાજુદા ગ્રાહકોને બોલાવી પોતાના મકાનમાં કૂટણખાનું ચલાવે છે. તે ગ્રાહકો પાસેથી એક યુવતી દીઠ ૩૦૦ રૃપિયા લઈ તેમાંથી ૧૫૦ રૃપિયા દેહવેપાર કરતી યુવતીને આપે છે. જયારે બંને યુવતીઓએ પણ તેઓને એક ગ્રાહક દીઠ ૧૫૦ રૃપિયા મળ્યા હોવાનું જણાવ્યું હતું.

(4:27 pm IST)