ગુજરાત
News of Wednesday, 3rd January 2018

વેચી દીધેલ મિલકત ગીરવે મૂકી 50 લાખની છેતરપિંડી આચરનાર આરોપીના જામીન કોર્ટે નામંજૂર કર્યા

વડોદરા:વેચી દીધેલી મિલકત બેંકના તારણમાં મૂકીને ૫૦ લાખ રૃપિયાની લોન લઈ ભરપાઈ નહી કરવાના ગુનામાં સામેલ આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર થઈ છે. આ અંગેની વિગત એવી છે કે પ્રતાપગંજ વિસ્તારમાં શરણમવિલા એપાર્ટમેન્ટમાં રહેતા હિમાંશુ પ્રવિણભાઈ તલાટી અને તેના પત્ની પ્રાંજલીએ જેતલપુર રોડની ઓફિસ રૃપિયા ૪૧ લાખમાં અકોટાના નિમ્બાલકર એન્ટરપ્રાઈઝના ડાયરેકટર પ્રફુલ્લ પટેલને રજીસ્ટર્ડ બાનાખતથી વેચાણ કરી હતી. આમ છતાંય આ મિલકત રાવપુરાની શ્રી કો.ઓ.બેંકમાં તારકામાં મૂકીને તેના પર રૃપિયા પચાસ લાખની લોન લેવામાં આવી હતી. આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં તલાટી દંપતી તથા બે જામીનદારો કેતુલ નરેન્દ્રભાઈ પરીખ (રહે.કોટયાર્કનગર સોસાયટી, આજવારોડ) અને સુભાષચંદ્ર રામજીભાઈ અગ્રવાલ (રહે. અલકા સોસાયટી, અકોટા) વિરૃધ્ધ ગુનો નોંધાયો હતો. આ કેસમાં આગોતરા જામીન મેળવવા માટે હિમાંશુ તલાટીએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકીહતી. સરકારી વકીલ અતુલ વ્યાસ અને આરોપપક્ષની રજૂઆતો સાંભળ્યા પછી ન્યાયાધીશ ડી.એસ.ત્રિવેદીએ આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે. અદાલતે નોંધ્યું હતું કે પ્રથમદર્શનીય હકીકતો જોતાં હાલનો કેસ અપવાદરૃપ કિસ્સામાં પડતો નથી. અરજદારની સામે નામજોગ અને કેવી રીતે બનાવને અંજામ આપ્યો છે તેની રજેરજ હકીકતોવાળી ફરિયાદ કરવામાં આવી છે. હાલનાં તબક્કે તપાસ ચાલુ હોય આગોતરા જામીન આપી શકાય નહી.

 

 

(4:27 pm IST)