ગુજરાત
News of Wednesday, 3rd January 2018

ભાજપના પૂર્વ ધારાસભ્યો - સિનિયર કાર્યકરોનું બોર્ડ-નિગમમાં સ્થાન માટે લોબીંગ શરૂ

ગત ટર્મમાં અનેક સ્થાનો પર છેલ્લે સુધી નિમણૂકો કરાઇ ન હતી જેથી દાવેદારો અત્યારથી સક્રિય

અમદાવાદ તા. ૩ : ગાંધીનગરમાં મંગળવારે પણ નવી ભાજપ સરકારના મંત્રીઓને શુભેચ્છા પાઠવવા માટે કાર્યકરો - શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. જેમાં ભાજપના હારેલા ધારાસભ્યો પણ નોંધપાત્ર સંખ્યામાં જોવા મળતા હતા. ભાજપ સરકાર દ્વારા મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ધનસુખ ભંડેરીની ટર્મ વધુ ૩ વર્ષ માટે લંબાવી અપાતા અંદરખાને કેટલાક હારેલા અને જીતેલા ધારાસભ્યો અને સિનિયર કાર્યકર્તાઓ દ્વારા પણ બોર્ડ-નિગમમાં સ્થાન માટે મોવડીઓને લોબીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ભાજપ સરકારનું મંત્રી મંડળ રચના થઇ ગઇ છે. તો કેટલાક જીતેલા અને હારેલા ધારાસભ્યની નજર હવે બોર્ડ-નિગમ પર છે. ગત ટર્મમાં પણ ભાજપ સરકાર દ્વારા અનેક બોર્ડ-નિગમમાં જગ્યા હોવા છતાં છેક સુધી ભરવામાં આવી ન હતી. છેલ્લે છેલ્લે કેટલાક કાર્યકરોની નિમણૂંક કરાઇ હતી તેમ છતાં તેની કોઇ અસર થવા પામી ન હતી. ભાજપમાં અનેક સિનિયર નેતાઓ ચૂંટણી હારી ગયેલા છે. કેટલાક અગાઉના પણ પૂર્વ ધારાસભ્યો છે. આવા ધારાસભ્યો છેલ્લા બે દિવસથી સચિવાલયમાં સ્વર્ણિમ સંકુલ ખાતે આવી રહ્યા છે. જેમાંથી કેટલાક દ્વારા બોર્ડ-નિગમ માટે અંદરખાને નિમણૂંક માટે લોબીંગ શરૂ કરવામાં આવ્યું છે. ભાજપ સરકારે ધનસુખ ભંડેરીની મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન તરીકે ૩ વર્ષ માટે પુનઃ વરણી કરીને નિમણૂકોની શરૂઆત કરી દીધી છે. ભાજપ સરકાર દ્વારા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા બલવંતસિંહ રાજપૂતને જીઆઇડીસીના ચેરમેન બનાવી દેવાયા છે.

તાજેતરમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને ટૂરિઝમ કોર્પોરેશનની પણ મુદ્દત પૂરી થઇ છે. કેટલાક અન્ય બોર્ડ - નિગમના હોદ્દેદારોની મુદ્દત પણ ટૂંક સમયમાં પૂર્ણ થઇ રહી છે.

ભાજપના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક હારેલા ધારાસભ્યો અને વર્તમાન ધારાસભ્યો પણ સચિવાલયમાં લગાતાર આવી રહ્યા છે. ભાજપ સરકાર દ્વારા બોર્ડ-નિગમમાં સિનિયર કાર્યકરો કે વર્તમાન - પૂર્વ ધારાસભ્યોની પણ નિમણૂક કરવામાં આવતી હોય છે. જો કે ગત ટર્મમાં જે રીતે પાંચ વર્ષ પૂર્ણ થવા થવા આવ્યા ત્યાં સુધી સરકાર દ્વારા નિમણૂકો કરવામાં આવી ન હતી અને ચૂંટણી નજીક આવી ત્યારે નિમણૂકો કરાઇ હતી. જેના કારણે હારેલા ધારાસભ્યો તેમની વેળાસર નિમણૂક થાય તે માટે અત્યારથી જ સક્રિય થઇ ગયા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક પૂર્વ ધારાસભ્યોએ આ માટે લોબીંગ શરૂ કરી દીધું છે. તે સાથે અનેક સિનિયર કાર્યકરો પણ સચિવાલયમાં આંટાફેરા કરતા જોવા મળી રહ્યા છે.

(12:30 pm IST)