ગુજરાત
News of Wednesday, 3rd January 2018

રૂપાણીના મંત્રી મંડળના વિસ્તરણની શકયતા

પાંચથી વધુ સંસદીય સચિવોની તૂર્તમાં જ નિમણૂક થવાનો અણસારઃ અસંતોષ ખાળવા બજેટ સત્ર પૂર્વે અથવા પછી તુરંત ૫ થી ૭ મંત્રીઓ ઉમેરાઈ શકે છેઃ સ્પીકરની વરણી ટૂંક સમયમાં: બોર્ડ-નિગમોમાં બાકી નિમણૂકોની પણ ચર્ચા

રાજકોટ, તા. ૩ :. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ટૂંક સમયમાં પોતાના મંત્રી મંડળનું વિસ્તરણ કરે તેવી શકયતા છે. વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરી મધ્યથી શરૂ થશે. તે પૂર્વે અથવા સત્ર પછી તુરંત સંભવત એપ્રિલમાં મંત્રી મંડળ વિસ્તરણ થશે. વિધાનસભાના સ્પીકરની ચૂંટણી અને ધારાસભ્યોના શપથનો કાર્યક્રમ ટૂંક સમયમાં જ જાહેર થશે. બોર્ડ નિગમોમાં બાકી રાજકીય નિમણૂકોનો દોર આગળ વધે તેવી શકયતા છે.

બંધારણીય જોગવાઈ મુજબ ૨૭ સભ્યોનું મંત્રી મંડળ બનાવી શકાય છે. મુખ્યમંત્રીએ પ્રથમ તબક્કે ૨૦ સભ્યોનું મંત્રી મંડળ બનાવ્યુ છે. હજુ ૭ સભ્યો ઉમેરી શકાય તેટલી જગ્યા છે. અનેક જિલ્લાઓ પ્રતિનિધિત્વ વિહોણા છે. કેટલાય ધારાસભ્યોના અસંતોષ અને વર્તમાન મંત્રીઓના કામના ભારણને ધ્યાને લઈ મુખ્યમંત્રી નજીકના ભવિષ્યમાં મંત્રી મંડળ વિસ્તરણ કરે તેવી શકયતા નકારાતી નથી. સવા વર્ષ પછી લોકસભાની ચૂંટણી આવી રહી છે. તેથી નવા મંત્રીઓની પસંદગીમાં આ બાબત ધ્યાને લેવામાં આવશે. પાંચ-સાત સંસદીય સચિવોની એકદમ ટૂંક સમયમાં જ નિમણૂક થાય તેવા નિર્દેશ મળે છે.(૨-૫)

(11:29 am IST)