ગુજરાત
News of Wednesday, 3rd January 2018

દલીત યુવાન પાસે જીભથી બૂટ સાફ કરાવાનો પોલીસ પર આરોપ

ખોટા કેસમાં પહેલા જેલમાં પૂરી દીધો અને પછી કર્યું અભદ્ર વર્તનઃ પત્ની અને માતાને પણ પુરૂષ પોલીસે લાકડીથી માર્યો માર

અમદાવાદ તા. ૩ : શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય વ્યકિતએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, 'મને ખોટા કેસમાં લોકઅપમાં પુરી દીધો હતો. અને પોલીસ સ્ટેશનમાં મારી સાથે અભદ્ર વર્તન કરતા હાજર રહેલા ૧૫ પોલીસવાળાના બૂટ જીભેથી સાફ કરાવ્યાં હતા..!'

અમરાઈવાડી પોલીસના જણાવ્યાં અનુસાર, અમરાઈવાડીના સાઈબાબા નગર સોસાયટીમાં રહેતો હર્ષદ જાદવ, ટીવી રીપેરિંગનો વ્યવસાય કરે છે. ગત ૨૯મી ડિસેમ્બરના શુક્રવારે બપોરે પોતાના ઘર નજીક સાંઈબાબાના મંદિરે ટોળું જમા થયું હોવાથી ત્યાં જઈને શું થયું તે અંગે જાણવા પૃચ્છા કરતા ત્યાં ઉભેલ વ્યકિત ઉશ્કેરાઈ ગયો હતો અને લાફો મારી તારે શું કામ છે? તેમ કહી પોલીસની લાકડીથી મારમાર્યો હતો અને બાદમાં પોલીસ પર હુમલાનો ખોટો કેસ કરી લોકઅપમાં પુરી દીધો હતો.

જાદવે આરોપ લગાવ્યો છે કે તેની પત્ની અને માતા વચ્ચે આવતા પોલીસ જવાને તેમની સાથે પણ અભદ્ર વર્તન કરી માર માર્યો હતો. બાદમાં ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ જઈ બાદમાં જાધવ વિરુદ્ઘ પોલીસકર્મીને સાથે મારામારીનો આરોપ મુકી લોકઅપમાં પૂરી દીધો હતો. જયાં બાદમાં બપોરે તેની જાતી પૂછ્યા બાદ તેની પાસે પોલીસકર્મીઓના બુટ જીભથી સાફ કરાવ્યા હતા.

જાદવે કહ્યું કે 'મને આ જયારે કોર્ટમાં લઈ જવાયો ત્યારે આ અંગે કંઈ બોલવાની ના પાડી ધમકી આપી હતી જેથી ડરના કારણે મે કોર્ટમાં કઈ જણાવ્યું નહોતું. જોકે પાછળથી હવે તેણે એટ્રોસિટી એકટ હેઠળ ફરીયાદ નોંધાવી છે.' આ મામલે એડિ. પોલિસ કમિશ્નર અશોકકુમાર યાદવનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે, 'જાદવની ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને આ અંગે તપાસ શરુ કરી દેવામાં આવી છે.'

(11:28 am IST)