પેટલાદ તાલુકાના માણેજ ગામે પુરપાટ ઝડપે જઈ રહેલ અજાણ્યા વાહનના ચાલકે બાઇકને ટક્કર મારતા ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

આણંદ : પેટલાદ તાલુકાના માણેજ ગામે આવેલ મણીલક્ષ્મી તીર્થ સામેના બ્રિજ નજીક પુરપાટ ઝડપે જઈ રહેલ એક અજાણ્યા વાહનના ચાલકે આગળ જઈ રહેલ મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડોદરાના માંજલપુર ખાતે રહેતા વિપુલભાઈ જીલુભાઈ સાકરોલીયા (મૂળ રહે.ભોજપુર, જિ.ભાવનગર) રમકડા તેમજ ફુગ્ગા વેચી જીવનગુજરાન ચલાવતા હતા. ગતરોજ સવારના સુમારે તેઓ મોટરસાયકલ પર સવાર થઈ વતનથી વડોદરા આવી રહ્યા હતા.
દરમ્યાન તેઓની મોટરસાયકલ માણેજ ગામ પાસે આવેલ ઓવરબ્રીજ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી આવી ચઢેલ કોઈ અજાણ્યા વાહનના ચાલકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને પગલે રોડ ઉપર પટકાયેલા વિપુલભાઈને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યાંથી રીક્ષા લઈ પસાર થઈ રહેલ રીક્ષાચાલક સંજયભાઈ ઠાકોરે ૧૦૮ મોબાઈલ વાનને જાણ કરતાં ૧૦૮ની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગંભીર રીતે ઘવાયેલ વિપુલભાઈને સારવાર માટે તારાપુરની હોસ્પિટલ ખાતે લઈ જવા નીકળ્યા હતા. દરમ્યાન રસ્તામાં જ વિપુલભાઈનું કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.