ગુજરાત
News of Thursday, 3rd December 2020

પાટણના જુના બાંદીપુર ગામની સીમમાં ઇજિપ્તના રાજાનો ખજાનો :ઠાકોર પરિવારનો પોતાની પાસે ચાવી હોવાનો દાવો

મંદિરના પરિસરમાં અજાણ્યા શખ્સો દ્વારા ખજાનાની શોધખોલના બહાને ખોદકામ થતા કલેક્ટરને રજૂઆત

પાટણના જુના બાદીપુર ગામની સીમામાં ઇજિપ્તના રાજાએ પોતાનો ખજાનો ભૂગર્ભમાં દાટ્યો હોવાનો દાવો થઇ રહ્યો છે. જેના પગલે મંદિરના પરિસરમાં અજાણ્યા શખ્સો દ્વારા ખજાનાની શોધખોલના બહાને ખોદકામ કરી નાખવામાં આવતા  કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી. ભેમોસણ ગામના રહેવાસી અને પાટણના વેપારી સોવનજી જીવણજી ઠાકોર અને નટુજી ઠાકોરના અનુસાર તેમના માયા પરિવારના પૂર્વજો ઇજીપ્તમાં રહેતા હતા. ત્યાંના રાજવીઓનાં ખજાનાનું રક્ષણ કરતા હતા. 

જ્યારે ઇજિપ્ત શાસન તબક્કાવાર નાશ પામવા લાગ્યું ત્યારે રાજાએ માયા રક્ષકોને ખજાનો અને તેની ચાવી સોંપી દીધી હતી. જે ખજાનો જુના બાદીપુરની જગ્યામાં તેમની જમીનમાં ભૂગર્ભમાં સંતાડેલા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. આ ઉપરાંત આ ખજાનાની ચાવી તેમની પાસે હોવાનો દાવો પણ ઠાકોર પરિવાર કરી રહ્યો છે. આ ખજાનો શોધવા માટે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ગામ અને ગામના મહત્વના સ્થળો અને જુના મંદિરોમાં અવારનવાર ખોદકામો પણ કરવામાં આવતા રહે છે. 

1 ડિસેમ્બરના રોજ સવારે હરિહર મહાદેવના પુજારી જ્યારે વહેલી સવારે મંદિર પહોંચ્યા ત્યારે મહાદેવના મંદિરના પ્રાંગણમાં ચારે તરફ ખોદાયેલું હતું. માયા પરિવારના સભ્યોએ જઇને જોતા તાંત્રિક વિધિ કરી હોવાનું પણ જણાવ્યું હતું. આ અંગે સોવનજી ઠાકોર દ્વારા ખજાના અને જગ્યાનું રક્ષણ કરવા માટે કલેક્ટર અને પોલીસને રજુઆત કરવામાં આવી હતી. આ જગ્યા પર ઇજિપ્તના રાજાનો ખજાનો અમારા વડવાઓ દ્વારા દાટવામાં આવ્યો છે. જેની રક્ષા કરવી હવે સરકારની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું. 

(11:57 pm IST)