ગુજરાત
News of Thursday, 3rd December 2020

વિરમગામ ગોલવાડી રોડ પર સફાઇ કામદારો પાસે ગટરની સફાઇ કરાવતાં હોવાનો પર્દાફાશ:માનવ આયોગમાં ફરિયાદ

દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડે આયોગને ઘટનાના ફોટા તથા વીડીઓ સાથે ફરિયાદ કરી

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે ગટરમાં ઉતરી સફાઇ કામ કરવા સામે મનાઇ ફરમાવી છે. ત્યારે વિરમગામ ગોલવાડી રોડ પર સફાઇ કામદારો પાસે ગટરનું સફાઇ કામ કરાવતાં હોવાની  પર્દાફાશ કરાયો છે,આ અંગેના કોઇ સુરક્ષાના સાધનો પણ આપવામાં આવ્યા ન હોવાની ફરિયાદ દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડે ગુજરાત માનવ અધિકાર આયોગ સમક્ષ ફરિયાદ કરી છે. તેમણે જણાવ્યું છે કે, હાઇકોર્ટનો આદેશ હોવા છતાં વિરમગામ નગરપાલિકા દ્વારા કોના ઇશારે કામદારો પાસે આ કામ કરાવવામાં આવી રહ્યું છે વગેરે પ્રશ્નો સાથેની ફરિયાદ કરી છે. આ અંગે જવાબદારો સામે પગલાં ભરવા માટે માંગણી કરી છે.

દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડે આયોગને ઘટનાના ફોટા તથા વીડીઓ સાથે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વિરમગામ ગોલવાડી રોડ પર સફાઈ કામદારો ગંદકીમાં ઉતરી અને કામ કરે છે. ગટરના દૂષિત પાણીમાં હાથ નાખવા પડે છે. તેમને કોરોના વાયરસનો ચેપ લાગશે તો કોની જવાબદારી? જેવા સળગતા પ્રશ્નો ઉદ્દભવેલા છે. આ સમસ્યા અંગે અમે સ્થળ રૂબરૂ જઈને ફોટો અને વીડિયોગ્રાફી કરેલી હતી અને આ સમસ્યા અમારા ધ્યાન ઉપર આવતા અમો આ રજુઆત કરીએ છીએ.

 

આ માનવ અધિકાર ભંગની ફરિયાદમાં અમદાવાદ જિલ્લા કલેકટર, અમદાવાદ જિલ્લા પોલીસ વડા, અમદાવાદ પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ દ્વારા આ બાબતે જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી છે. આ સમગ્ર મામલે જવાબદારો સામે પોલીસ ફરિયાદ થાય તેવી અમે દાદ માંગીએ છીએ, તેમજ આ બાબતે ગુજરાત માનવ અધિકાર આયોગ દ્વારા સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનું કામ બંધ કરાવવા જરૂરી આદેશ/હુકમો કરવાની અરજ ગુજારીએ છીએ.

આ માનવ અધિકાર ભંગની જાહેર હીતની ફરિયાદમાં જરૂરી આદેશો કરવા તેમજ જે અધિકારીઓ આવી કામગીરી સફાઈ કામદારો પાસે કરાવે છે તેની વિરુદ્ધ જરૂરી પગલા ભરવા વિનતી કરી છે.

(8:37 pm IST)