ગુજરાત
News of Thursday, 3rd December 2020

શિક્ષકો માર્કેટિંગ-ગૃહ ઉદ્યોગ જેવા કામ કરવા મજબૂર થયા

કોરોના વાયરસના કારણે હાલત ખરાબ : બાળકોના ભવિષ્યના ઘડતરમાં મહત્ત્વનો રોલ અદા કરનારા શિક્ષકોનું વર્તમાન અને ભાવિ કોરોનાના કારણે ખતરામાં

અમદાવાદ,તા.૩ : કોરોના વાયરસના કપરા સમયે ભલભલા લોકો માટે આર્થિક મુશ્કેલી સર્જી છે. તેમાં પણ બાળકોના ભવિષ્યના ઘડતરમાં મહત્ત્વનો રોલ અદા કરનારા શિક્ષકોનું વર્તમાન અને ભાવિ આ કોરોનાના કારણે ખતરામાં સપડાયા છે. ખાસ કરીને શાળાઓમાં ખાનગી શિક્ષક તરીકે કામ કરતા શિક્ષકો અને ટ્યુશન કરતા શિક્ષકોની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. આ સમયે વાત છે એવા શિક્ષકોની કે જેઓ આઠ મહિના પહેલા ટ્યુશન ચલાવી રોજીરોટી કમાતા હતા પણ લૉકડાઉન અને ત્યારબાદ બાદની સ્થિતિને તાબે થઈને કોઈએ પ્રિન્ટિંગ, કોઈએ મલ્ટીલેવલ માર્કેટિંગ તો કોઇએ ખાખરા-ચવાણા જેવા ગૃહઉધોગ તરફ વળવું પડ્યું છે. શહેરના નિર્ણયનગર વિસ્તારમાં રહેતા હાર્દિકભાઈ શાહ વર્ષોથી ટ્યુશન કલાસ ચલાવે છે. ટ્યુશન કલાસ રેગ્યુલર ચાલતા હતા ત્યાં સુધી બધું બરાબર હતું પણ કોરોનાને કારણે હજુ સુધી કલાસ બંધ રહેતા તેઓએ ગ્રાફિક્સ પ્રિન્ટિંગના ધંધામાં નસિબ અજમાવવું પડ્યું છે.

              ટ્યુશન કલાસ નહીં ખુલતા આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ છે. તેઓએ વર્ષોથી જમાવેલા ટયુશન ક્લાસના ધંધામાંથી અન્ય ધંધા તરફ વળવું પડ્યું છે. જોકે, નવા ધંધામાં સેટ થતા પણ તેમને વાર લાગશે પરંતુ ખરાબ સમય નીકળી જશે પછી બધું બરાબર થઈ જશે તેવી તેમને આશા છે. માત્ર હાર્દિકભાઈ શાહ જ નહીં વ્યાસવાડી પાસે રહેતા ટ્યુશન ક્લાસના શિક્ષક મેહુલભાઈ ચૌહાણની પણ આવી જ હાલત છે. વર્ષોના વર્ષો વિદ્યાર્થીઓને ભણાવવામાં કાઢ્યા બાદ હવે કોરોનાએ એ પણ છોડાવી દીધુ. વિદ્યાર્થીઓને ભણાવવાના કલાસ અને પટલીઓ ધૂળ ખાય છે. શિક્ષણ કાર્ય બંધ થતાં તેમણે ઘરમાં જ ખાખરા-ચવાણા અને ગૃહઉધોગની નાની દુકાન કરી છે. તેઓનું કહેવું છે કે આ દુકાનથી આર્થિક સદ્ધરતા તો નહીં આવે પણ પરિવારનું ગુજરાન ચાલશે. ભૂખ્યા નહીં ઊંઘવું પડે. તેમના જ ગ્રુપના ૨૭ જેટલા કલાસીસ શિક્ષકોએ ટ્યુશન ક્લાસનો ધંધો બંધ કરી દીધો છે. તેઓ એવી પણ અપીલ કરે છે જો કોરોનાનો આ કપરો સમય કાઢી લેશો તો સારો સમય આવશે. મહત્ત્વનું છે કે કોરોનાએ લોકોની કારકિર્દી ભરખી લીધી હોય. આવા આ માત્ર બે જ નહીં પરંતુ અનેક ઉદાહરણો છે. અમદાવાદમાં ૧૫ હજારથી વધુ ટ્યુશન ક્લાસીસ છે. જેમાથી અનેક ક્લાસ ભાડા પર ચાલે છે. લૉકડાઉન બાદ ધંધો જ બંધ હોય તો ભાડું પણ કેવી રીતે ભરી શકવાના? આ કારણે અનેક ક્લાસ બંધ થઈ ગયા છે.

(7:14 pm IST)