ગુજરાત
News of Thursday, 3rd December 2020

બોર્ડની પરીક્ષા ઓનલાઈન નહિ, પરીક્ષા તો લેખિત થશે

CBSEએ બોર્ડ પરીક્ષા મામલે મોટી જાહેરાત કરી : પહેલાં ક્લાસમાં પ્રયોગાત્મક કાર્યો માટે વિદ્યાર્થી ઉપસ્થિત ન રહી શકે તો અન્ય વિકલ્પ વિશે વિચારવામાં આવશે

અમદાવાદ,તા.૩ : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા લેખિતમાં જ યોજાશે તેવુ કહેવામાં આવ્યું છે. ૨૦૨૧માં યોજાનારી સીબીએસઈ બોર્ડની પરીક્ષા ઓનલાઈન નહિ યોજવામાં આવે. કોવિડની ગાઈડલાઈન અંતર્ગત પરીક્ષાનું આયોજન કરાશે તેવું કહેવાયુ છે. ટૂંક સમયમાં પરિસ્થિતિઓની સમીક્ષા બાદ પરીક્ષાની તારીખની જાહેરાત કરાશે. સીબીએસઈના અધિકારીઓએ જણાવ્યું કે, ૨૦૨૧માં બોર્ડ પરીક્ષાઓ ઓનલાઈન માધ્યમથી ન લઈને લેખિત પરીક્ષાઓ થશે. પરીક્ષાના સંચાલન માટે તારીખો પર વિચાર-વિમર્શ હજી ચાલી રહ્યું છે. બોર્ડના અધિકારીઓએ એમ પણ કહ્યું કે, જો પરીક્ષા પહેલા ક્લાસમાં પ્રયોગાત્મક કાર્યો માટે વિદ્યાર્થી ઉપસ્થિત ન રહી શક્યા તો અન્ય વિકલ્પ વિશે વિચારવામાં આવશે.

          સીબીએસઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, બોર્ડ પરીક્ષાનું આયોજનની તારીખના સંબંધમાં હજી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. તે મામલે હજી વિચાર ચાલી રહ્યો છે. પરીક્ષાઓ જ્યારે પણ થશે તો લેખિત સ્વરૂપે થશે. પરીક્ષા કોવિડની તમામ ગાઈડલાઈનનું પાલન કરીને આયોજિત કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ આગામી વર્ષે થનારી બોર્ડની પરીક્ષાઓ અને પ્રતિસ્પર્ધી સ્પર્ધાઓના મુદ્દા પર ૧૦ ડિસેમ્બરના રોજ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરવાના છે.

(7:12 pm IST)